વાડીએ જતી વેળાએ ડાયાભાઇને નડ્યો અકસ્માત, પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Dhrol,તા.10
ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું આજરોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લતીપુર ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ડાયાભાઇ હીરાભાઈ તરપદા (ઉંમર વર્ષ ૬૮) ગત તા. ૨૪ મેના રોજ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને વાડીએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન લતીપુર ગામ નજીક જ કોઈ અગમ્ય કારણોસર તેમનું મોટરસાયકલ અચાનક સ્લીપ થઈ ગયું હતું. બાઈક સ્લીપ થતાં જ ડાયાભાઇ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા હતા. પરંતુ કમનસીબે ચાલુ સારવાર દરમિયાન આજરોજ હોસ્પિટલના બિછાને જ તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે , મૃતક ડાયાભાઇ બે ભાઈ અને ચાર બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોતથી સંતાનોમાં ત્રણ દીકરા અને બે દીકરીઓએ પિતાની વહાલસોયી છત્રછાયા ગુમાવી દીધી છે. ઘરના મોભીના અકાળ મોતથી તરપદા પરિવારમાં આક્રંદ છવાયું છે.

