Ahmedabad તા. 12
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થયાની કરૂણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. આ ફલાઇટમાં રાજકોટ ભાજપના પાયાના પથ્થર જેવા સીનીયર નેતા અને પૂર્વ લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ મુસાફર તરીકે હોવાની વિગતો મોડેથી બહાર આવતા ભારે દુ:ખની લાગણી ફેલાઇ છે.
આજે બપોરે સૌ પહેલા વિજયભાઇ રૂપાણી આ ફલાઇટમાં હતા કે નહીં તે વાત સત્તાવાર બહાર આવી ન હતી. રાજકોટથી માંડી સરકાર કક્ષાએ સતત તપાસ ચાલુ હતી. પરંતુ આજે બપોરની આ ફલાઇટમાં બિઝનેસ કલાસમાં (ટીકીટ નં. 2-ડી) તેમની ક્ધફર્મ ટીકીટ હોવાનું બાદમાં જાહેર થયું હતું.
રાજકોટના ગોંડલ રોડ પર પાસપોર્ટ ઓફિસ પાસે આર.વી.હોલીડેઝ નામના ટુર ઓપરેટરને ત્યાંથી આ ફલાઇટની ટીકીટ લેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
વધુમાં રાજકોટ સ્થિત પરિવારજનો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પરિવાર અને રાજકોટ ભાજપ નેતા નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરીનો પરિવાર લંડન પહોંચી ચૂકયા હતા. લંડન ખાતે વિજયભાઇના પુત્રી રહે છે. 22 દિવસ માટે લંડનથી સ્કોટલેન્ડ ફરવા માટેનો કાર્યક્રમ પણ પરિવારે બનાવ્યો હતો.
બે દિવસ પહેલા પરિવારજનો લંડન પહોંચી ગયા હતા પરંતુ વિજયભાઇ બે-ત્રણ દિવસથી ગાંધીનગરમાં હતા. આ બાદ આજે બપોરે લંડન જવાની તેમની એર ઇન્ડિયાની ટીકીટ હતી. તેઓ આ ફલાઇટમાં હોવાની વાત પહોંચતા રાજકોટમાં અને સમગ્ર ગુજરાત ભાજપ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.