ભારતમાં કન્યા શિક્ષણ શરૂ થયું ત્યારથી કન્યા હોય કે કુમાર મોટેભાગે વિષય તરીકે ગણિત લગભગ બધાને કઠિન લાગે છે! અને એમાં પણ એક સદી પહેલાં એટલે કે 20 મી સદીની શરૂઆતમાં યુવતીઓ માટે જાણે આર્ટ્સ વિષય નક્કી કરી દેવામાં આવ્યો હોય, એમ બધાં એ જ વિષય પસંદ કરતાં હતાં! કારણ કે ગણિત એટલે આંકડા અને યુવતીઓને તો ચૂલા ચૌકા સંભાળવાના હોય એમાં ગણિતની શું જરૂર છે! ગણિત તો રુપિયા કમાવાં વાળા માટે મહત્વનું છે, એવું સ્પષ્ટ માનવા વાળા લોકો જ એ સમયનાં સમાજમાં હતાં. બે અને બે ચાર થાય એવું સીધું સાદું અને પ્રાથમિક શાળાનાં અભ્યાસ માં આવતું ગણિત યુવતીઓ માટે પુરતું છે. બીજું ગણિતમાં પારંગત થવા માટે બુદ્ધિની જરૂર પડે છે, અને સ્ત્રીઓની બુદ્ધિ પગનાં તળિયે હોય છે એવું માનવા વાળા પણ ખરાં. જોકે સમાજને જે વિચારવું હોય એ વિચારે, પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી! અને સમય જેમ જેમ આગળ ગતિ કરતો ગયો, એમ કેટલીય યુવતીઓ અન્ય વિષયોમાં પારંગત થઈને, કંઈ કેટલાય વિષયનાં દરવાજા ખોલી નાખ્યાં, અને યુવતીઓ માત્ર આર્ટ્સની બદલે કોમર્સ અને સાયન્સમાં પણ એડમિશન લેવા લાગી, ગણિતમાં પણ અંક ગણિત, બીજ ગણિત અને ભૂમિતિ! ગણિતમાં જેમ જેમ સંખ્યા મોટી થતી જાય એમ ગુણાકાર ભાગાકાર બધું અઘરું થતું જાય ! એમાં પણ અપૂર્ણ અંકનાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, અને ભાગાકાર બધું જ અઘરું! તોય કેલ્ક્યુલેટર ને કારણે ગણિત ઘણું સહેલું બન્યું ! પરંતુ ભારતનાં શકુન્તલા દેવી માનવ કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે, અને આજે આપણે એનાં વિશે વાત કરીશું
શકુંતલા દેવીનો જન્મ 4 નવેમ્બર,1929ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમના પિતા સરકસમાં કામ કરતાં હતાં. ત્રણ વર્ષની વયે જ શકુંતલા દેવીએ ગણિતનાં પ્રશ્નો હલ કરવાનું શરૂ કર્યું.
તેમનાં પિતાએ પોતાની દીકરીની અનન્ય પ્રતિભાને ઓળખી લીધી હતી. મૈસૂર યુનિવર્સિટીમાં સાડા ત્રણ-પોણા ચાર વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કાર્યક્રમ આપ્યો. આનાં પછી તો કાર્યક્રમનો સિલસિલો શરૂ થઈ ગયો. ક્યારેક દિલ્હી યુનિવર્સિટી અને ક્યારેક બનારસ યુનિવર્સિટી. તેમણે ઇંદિરા ગાંધી, ઝાકીર હુસેન, ચંદ્રશેખર વેંકટરમણ, જેવાં લોકોની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. તેઓ ‘બેબી શંકુતલા’ તરીકે પ્રખ્યાત થઈ ગયાં. મોટાં થતાં સુધીમાં તો શકુંતલા દેવીનું નામ દેશવિદેશમાં ચર્ચાવા લાગ્યું. વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં તેઓ ગયાં ન્હોય. લંડનમાં એક હજારથી વધુ લોકોની સામે તેમણે તરત જ 7, 686, 369, 774, 870 અને 2, 465, 099, 745, 779નું ગુણનફળ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ પહેલાં 1977માં તેમણે અમેરિકામાં કમ્પ્યુટરો સાથે સ્પર્ધા કરી હતી, તેમાં શકુંતલા દેવીએ 188132517નું ઘનમૂળને બતાવીને જીત હાંસલ કરી હતી.જેના માટે તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું, જોકે
આ બધું તેમના માટે ડાબા હાથનો ખેલ હતો.
બીજાને આશ્ચર્યચક્તિ કરતી નાંખતાં શંકુતલા દેવી માટે ગણિત શું હતું? ઘણીવાર પોતાનાં ઇન્ટરવ્યૂમાં શંકુતલા દેવી કહેતાં, “ગણિત માત્ર ગુણનો ભાગ નથી. ઇટ્સ ધ ઓન્લી ટ્રૂથ ઇન ધ વર્લ્ડ. ખરેખર તો ગણિત એ વિશ્વનું એકમાત્ર સત્ય છે. નંબર ક્યારેય જૂઠું બોલતાં નથી. તમે ક્યાંય પણ જાઓ,બે વત્તા બે, ચાર જ રહેશે.”
શકુંતલા દેવીનાં લગ્ન પરિતોષ બેનરજી સાથે થયાં હતાં, જે ગે હતાં. પણ તે સમયે ખુલ્લેઆમ આ વિશે કહેવું શક્ય નહોતું. બંનેએ છૂટાછેડા લીધા. ગે લોકોની મનોદશા સમજવા માટે શકુંતલા દેવી ગે લોકોને મળવાં લાગ્યાં, અને 1977માં તેમનું ‘ધ વર્લ્ડ ઑફ હોમોસેક્સ્યુઅલ’ પુસ્તક આવ્યું. 70 દાયકામાં ગે વિશે વાત કરવી, અને એ પણ એક સ્ત્રી થઈને! ખરેખર બહુ મોટી વાત કહેવાય અને એની માટે બહુ હિંમત જોઈએ! જે શકુન્તલા દેવીમાં હતી. આ પુસ્તકમાં તેઓ સ્પષ્ટ લખે છે, ‘હું ગે નથી, મનોવૈજ્ઞાનિક નથી, અને કોઈ સામાજશાસ્ત્રી પણ નથી. આ પુસ્તક લખવાની મારી લાયકાત માત્ર એટલી છે કે, હું એક સંવેદનશીલ માણસ છું. એમની માટે લખવા માગું છું, જેમને સમાજ યોગ્ય રીતે સમજી શક્યો નથી, અને ખોટું જીવન જીવવા માટે મજબૂર કરે છે, અથવા તો એનામાં કોઈ બહું મોટી ખામી હોય એમ તેને ધિક્કારે છે. આ પુસ્તકમાં સમલૈંગિક લોકો સાથે એમણે કરેલી મુલાકાતની વાતો, સમલૈંગિકતાનો ઇતિહાસ, તેના પર બનેલાં કાયદાઓ, આની પાછળનું મનોવિજ્ઞાન, ફિલ્મોમાં સમલૈંગિકતાનું વિચિત્ર અથવા તો અતિશયોક્તિ ભર્યું ચિત્રણ, તેનાથી સમાજ પર પડતી ઉંધી અસર અને એને સંબંધિત દંતકથાઓ વગેરે પર વિસ્તારથી લખ્યું છે, જેની માટે એ સમયનો સમાજ કદાચ યોગ્ય ન્હોતો, અને એને કારણે એમની પણ ઉપેક્ષા થઈ.
શંકુતલા દેવી એક બહુમુખી પ્રતિભાવાન મહિલા હતાં. તેઓ વાંસળીવાદક હતાં. ખાવાપીવાથી લઈને આપદા જેવા વિષયો પર તેમણે પુસ્તકો લખ્યાં છે. તેમણે ગણિત પર પુસ્તકો લખ્યાં છે કે તેઓ કહેતાં હતાં, કે જો તમારે ઇન્ફોસિસ, આઈટી વગેરેમાં યોગ્યતા પરીક્ષા પાસ કરવી હોય તો આ પુસ્તકો તે માટેનો ગુરુમંત્ર છે.
નંબરોની હેરાફેરીથી સંબંધિત જુગાર પર પણ તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં, પણ ક્યારેય છપાવ્યાં નહીં. તેઓ જ્યોતિષ વિદ્યા પણ બહુ સારી રીતે જાણતાં હતાં. તેઓ કહેતાં કે જ્યોતિષ બનવા માટે તમારું ગણિત ઘણું સારું હોવું જોઈએ, અને તમારી ઇન્ટયુશન ખૂબ જ ઝડપી હોવી જોઈએ, નહીંતર કમ્પ્યુટર પણ કુંડળી બનાવે છે.
કોઈ પણ તારીખ અને વર્ષને જોઈને તેઓ કહી શકતાં કે એ તારીખ અને વર્ષે કયો વાર હશે.
બીબીસી હિન્દીને 1973માં આપેલાં ઇન્ટરવ્યૂમાં શકુંતલા દેવીએ કહ્યું હતું કે તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું નથી. તેમ છતાં તેમણે અંગ્રેજી અને તમિળમાં પુસ્તકો લખ્યાં છે.
શકુંતલા દેવી એક ચાઇલ્ડ પ્રોજડી એટલે કે એક એવી હસ્તી જેને આપણે માત્ર ગોડ ગિફ્ટ કહી શકીએ! એ બાળપણથી જ અત્યંત પ્રતિભાવાન હતાં. રુપિયા મળતા હોયને નાનપણથી જ એમનાં પિતા દ્વારા એમનાં ગણિતનાં પ્રદર્શનો શરૂ થયાં, પ્રવાસ શરૂ થયાં. સો ટકા આવાં બાળકોનું બાળપણ પ્રતિભામાં ખોવાઈ જાય છે, અને શક્ય છે કે પ્રતિભાની અસર વ્યક્તિગત જીવન પર પડી હશે!
શકુન્તલા દેવીને રંગબેરંગી સાડી પહેરવાનો અને લિપસ્ટિક નો અત્યંત શોખ હતો! શકુન્તલા દેવી પર આધારિત ‘શકુન્તલા દેવી’ ફિલ્મનું નિર્દેશન અનુ મેનન દ્વારા કરવામાં આવ્યું હતું,જે 31 જૂલાઈ 2020નાં રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. શકુન્તલા દેવીની મુખ્ય ભૂમિકા વિદ્યા બાલન એ કરી હતી, અને એમની દિકરી અનુપમા બેનર્જીની ભૂમિકા સાન્યા મલ્હોત્રા એ કરી હતી. તેમણે 83 વર્ષની વયે 1 એપ્રિલ, 2013ના રોજ બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધાં હતાં, અને એમનાં મગજમાં રમતાં ગણિતનાં અંકો એ જાણે વિરામ લીધો! લોકપ્રિયતાની રીતે બરોબર છે કે, શકુન્તલા દેવી એ ખૂબ પ્રસિદ્ધિ મેળવી, પણ એક સ્ત્રી તરીકે એ જીંદગી ભર પ્રેમ મેળવી શક્યાં નહીં! એની ખુદની દિકરી પણ એને કહેતી કે તું અન્ય માતા જેમ નોર્મલ કેમ નથી! માતાની વિશેષતાઓ ને દિકરી કે સ્વજનો એ પણ સહજ સ્વીકારી નહીં એ વાતે આપણને દુઃખ થાય. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

