Morbi,તા.૭
મોરબી જિલ્લામાં સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક બંધ સિરામિક ફેક્ટરીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રંગપર નજીક આવેલી ફેક્ટરીમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં યુરિયાની બેગ મળી આવી હતી. આ મામલે સીઆઇડી ક્રાઈમ અને ખેતીવાડી વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ,સીઆઇડી ક્રાઈમની ટીમે રંગપર વિસ્તારમાં આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું.એક બેગમાં આશરે ૪૫ કિલો યુરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રમાણે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો છે.
સમગ્ર મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા ખેતીવાડી નિયામકની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ખાતરના જથ્થાની તપાસ કરી હતી.ત્યારબાદ ફેક્ટરી અને મળેલા મુદ્દામાલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બંધ સિરામિક ફેક્ટરીમાં આટલો મોટો પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો કેવી રીતે પહોંચ્યો અને તેનો સંગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસ એજન્સીઓ દ્વારા ખાતરના સ્ત્રોત, સંગ્રહ કરનાર વ્યક્તિઓ અને સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ મામલે આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

