New Delhi,તા.6
પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સોશિયલ મીડીયા પરથી જન્મેલી કોકરોચ જનતા પાર્ટી આજે રિયલ સ્વરૂપમાં જંતર-મંતર ખાતે ધરણા કરનાર છે અને પોલીસે તેને મંજુરી પણ આપી છે.
કોકરોચ જનતા પાર્ટી- સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે જંતર-મંતર પર દેખાવો કરવા દિલ્હી પહોંચી ગયા છે. તેમણે આંદોલનમાં સામેલ થનારા લોકોને પુસ્તક અને તિરંગો સાથે લઈને આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે પોલીસકર્મીઓને સન્માન અને આભારના પ્રતીકના રૂપમાં ફુલ ભેટ કરો.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને સીજેઆઈ સુર્યકાંત દ્વારા કોર્ટમાં સુનાવણી દરમિયાન કેટલીક વ્યક્તિઓને `કોકરોચ’ અને `પરજીવી’ કહ્યા હતા, જેના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી બની હતી. તેમાં ઓનલાઈન આંદોલનને હવે એક સંગઠીત અભિયાનનું રૂપ પકડી લીધું છે.
બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટે એ અરજીની તાત્કાલીક સુનાવણી કરવાનો શુક્રવારે ઈન્કાર કર્યો હતો. જેમાં એવો ભય બતાવાયો હતો કે સીજેપીને જંતર-મંતરમાં પ્રસ્તાવિત ધરણા પ્રદર્શનના કારણે કાનૂન વ્યવસ્થા સંબંધી ચિંતાઓ પેદા થવાને લઈને આશંકા બતાવાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીના રાજયસભાના સભ્ય સદાનંદ શેટ તનાવડેએ શુક્રવારે કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત ધરણાને ફગાવી દેતા કહ્યું હતું કે સોશિયલ મીડીયા અભિયાનોના માધ્યમથી બનાવવામાં આવેલ આવા સંગઠન સ્થાપિત પાર્ટીઓ પર કોઈ મહત્વની અસર નથી છોડી શકતા. તેમણે કહ્યું હતું કે આવા સંગઠન આવતા-જતા રહે છે.
ઉલ્લેખનીય છે કે, સીજેપીએ પરીક્ષા સંબંધી ગરબડોના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે 6 જૂને ધરણા પ્રદર્શનનું આહવાન કર્યું છે.

