(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
Jamnagar શહેરના સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધન અપૂર્વા સોસાયટી ગેટ નં. ૨ સામે જાહેર માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી બુલેટ મોટરસાયકલને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે પ્રણામી ટાઉનશીપ-૩ ખાતે રહેતા કીર્તીકુમાર સુરેશભાઈ રામનાણીએ સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ પોતાની પત્ની નિયતિબેન સાથે બ્લેક કલરની બુલેટ મોટરસાયકલ (રજી. નં. જી.જે.-૧૦-ઈ.જે.-૨૭૧૪) પર કીર્તીપાન પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધન અપૂર્વા સોસાયટી ગેટ નં. ૨ પાસે રોડ ક્રોસ કરતી વખતે વિયાના પાર્ક તરફથી આવેલી સફેદ રંગની કાર (રજી. નં. જી.જે.-૦૧-આર.એસ.-૨૯૮૨)ના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બુલેટને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં કીર્તીકુમાર રામનાણી તથા તેમની પત્ની નિયતિબેન રોડ પર પટકાયા હતા. જેમાં નિયતિબેનને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે કીર્તીકુમારને પણ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

