Gondal, તા.8
વ્યાજંકવાદ અંગે પોલીસ તંત્ર વ્યાજખોરો સામે આકરુ વલણ દાખવી રહ્યુ છે.લોકદરબાર નાં આયોજન દ્વારા જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે.તેમ છતા વ્યાજંકવાદ ઘટવાનું નામ નથી લેતો. ગોંડલ માં પઠાણી ઉઘરાણી સાથેનાં વ્યાજખોરી નો વધુ એક કિસ્સો સામે આવ્યો છ ગોંડલના કારખાનેદારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બાયોકોલના કારખાનામાં નુકસાની આવતા યુવાને કણકોટના વિશાલ સોંદરવા પાસેથી રૂ.7 લાખ તોતિંગ 30% ના વ્યાજે લીધેલ હતા. જેની સામે યુવાને પત્નીના દાગીના ગીરવે મૂકી ત્રણ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 12 લાખની ઉઘરાણી કરી મોતનો ભય બતાવતા યુવાને વખ ઘોળ્યું હતું. સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી આદરી હતી.
મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના વતની અને હાલ ગોંડલના ગુંદાળા ચોકડી નજીક ઉર્જા સોસાયટી શેરી નં.-1 માં રહેતા 30 વર્ષીય કારખાનેદાર યુવાન બિપીનભાઇ જયંતીભાઈ ઉર્ફે દિનેશભાઈ ઠુમ્મરે વ્યાજખોર તરીકે વિશાલ ઉર્ફે વિર કિશોરભાઈ સોંદરવા(રહે. કણકોટ, રાજકોટ)નું નામ આપતાં જણાવ્યું હતું કે, આશરે ત્રણ વર્ષ પહેલા મે ગુંદાળા ગામ પાસે આવેલ રાધે ઇન્સ્ટ્રીઝ એરીયામા બાયોકોલનુ કારખાનુ ભાગીદારીમા શરૂ કરેલ હતું.
ધંધામાં નુકશાની જતા છ માસ પૂર્વે કારખાનું બંધ કરી દીધેલ હતી. કારખાનામા રૂપીયા નાખવા માટે તેમજ કારખાનુ બંધ થયા બાદ ભાગીદારોને નુકશાનીના રૂપીયા ચુકવવા માટે મારે નાણાની જરૂરીયાત ઉભી થતા મે વિશાલ ઉર્ફે વિર કિશોરભાઈ સોંદરવા કે જેને હું અગાઉ શાપર (વેરાવળ) ખાતે પાનની દુકાન ધરાવતો ત્યારે પરિચયમા આવેલ હતો તેની પાસેથી પ્રથમ રૂ. 1 લાખ 30 ટકા વ્યાજે ઓગષ્ટ, 2025 મા કાલાવાડ રોડ કણકોટ ગામે આવેલ દ્રારકાધીશ હોટલ ખાતે લીધેલ હતા. વિશાલે વ્યાજ પેટે રૂ.30 હજાર કાપી લીધેલ હતા. જયારે અન્ય 70 હજાર મારા મોટાબાપાના દિકરા દક્ષેશ ભીખાભાઇ ઠુંમરના નંબર પર ગુગલ પેથી ટ્રાન્સફર કરેલ હતા બાદ મે અલગ અલગ સમયે વિશાલ પાસેથી કુલ રૂ. 7 લાખ લીધેલ હતા.
યુવાને જણાવ્યું હતું કે, વિશાલ મને વ્યાજના રૂપીયા માટે અવાર નવાર ફોન કરી બળજબરી કરતો હતો. અવાર નવાર મારા ઘર પાસે આવી તેમજ રૂબરૂ મળી ગાળો આપી મોતનો ભય બતાવી બળજબરીથી વ્યાજના નાણાની ઉઘરાણી કરતો હતો. જેથી મે મારી પત્નીના સોનાના દાગીના ગીરવે મુકી રૂ. 3 લાખ આશરે ત્રણ મહિના પહેલા ગોંડલના ગુંદાળા દરવાજા પાસે આવેલ જે.કે. આંગડીયા મારફતે વિશાલને મોકલ્યા હતા. બાદ મારે વિશાલને રૂ. 4 લાખ દેવાના બાકી રહેતા હતા.
પરંતુ વિશાલે મારી પાસેથી સેન્ટ્રલ બેન્કના બે કોરા ચેક લીધેલ અને વ્યાજ સહિત મારે તેને રૂ. 12 લાખ આપવાના રહેશે તેવું લખાણ કરાવી લીધેલ હતું. વિશાલ વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હોય પણ મારી પાસે પૈસાની સગવડતા ન હોય હું તા.29/06/2026 ના બપોરના સમયે ઘરેથી નીકળી ગુંદાળા ચોકડી ખાતે આવેલ એગ્રોની દુકાનમાંથી ઝેરી દવા ખરીદી જામવાડી ગામ આગળ નેશનલ હાઇવે ઉપરથી વોરા કોટડા રોડ ઉપર હુ મારી આઈ-10 ગાડી જેના રજી.નં જીજે18બીઈ2461 માં મે વિશાલની ધમકીથી કંટાળી ઝેરી દવા પી લીધેલ હતી. બાદ મે મારી પત્નીને ફોનથી દવા પી લીધાની જાણ કરી હતી. જેથી તુરંત જ દક્ષેષભાઈ દોડી આવ્યા હતા અને મને ફોર વ્હીલરમાં બેસાડી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
જે બાદ યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે વિશાલ વિરુદ્ધ અરજી કરી હતી પણ વ્યાજખોર આટલેથી અટક્યો ન હતો. વિશાલ સોંદરવાએ ત્યારબાદ પણ પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો. વિશાલે મારા ભાઈ દક્ષેશને કહેલ કે, તમારા ભાઈએ મારા વ્યાજ સહિતના રૂ.12 લાખ આપવા જોશે.
જેથી અંતે યુવાને ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોર વિશાલ સોંદરવા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે મની લેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.

