હમણાં જ વિમેન્સ ડે ગયો અને સમાજમાં સ્ત્રી કે મહિલાઓ થી જ ઘર પરિવાર કે સમાજ સંસ્કારિત છે, અને એને માત્ર એક દિવસ નહીં પણ કાયમ માન આપવું જોઈએ, એવાં એવાં મેસેજો ફોરવર્ડ થયાં! અને આપણે સૌ જાણીએ છીએ કે આ વિધાનમાં લાખ સચ્ચાઈ હોવાં છતાં લોકો એને અનુસરતાં નથી! અને એટલે જ ક્યાંક બલાત્કાર તો ક્યાંક ઘરેલુ હિંસા તો ક્યાંક આત્મ હત્યાનાં કિસ્સાઓ સાંભળવા મળે છે. જોકે એની માટે ઘણાં કારણો હોય શકે! પરંતુ આજના એજયુકેટેડ અને સભ્ય સમાજમાં સ્ત્રીઓ પર અલગ અલગ રીતે અત્યાચાર આજની આ સુપર ફાસ્ટ ગતિએ ચાલતાં એકવીસમી સદીનાં સમયમાં પણ જોવાં મળે જ છે! અને એ પણ માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં! જે બતાવે છે કે સ્ત્રી અથવા તો મહિલા જ પોતાની ગરિમા સાચવી શકી નથી! પછી તે ગમે તે કારણ હોય! ક્યાંક સાવ સહનશક્તિ ન્હોય! તો ક્યાંક વધું પડતી સહનશક્તિ હોય! ક્યાંક લાગણી શૂન્ય તો ક્યાંક વધું પડતી લાગણીશીલતા ! ક્યાંક અતિ ખર્ચાળ તો ક્યાંક અતિ લોભી, ક્યાંક અત્યંત અભિમાની તો ક્યાંક સાવ રાંક! અને આમ એક જ ઘરમાં બે વિભિન્ન માનસિકતા રોજ ટકરાય અને પુરુષ તો પ્રતાડિત કરતો કરે, પણ સ્ત્રી પણ કરે.. અને આમ એકને માન અને બીજાને અપમાન! આવું સદીઓથી ચાલ્યું આવ્યું છે, અને હજી પણ પોતાના અસ્તિત્વની ગરિમા ખુદ સ્ત્રી નહીં સાચવે તો ક્યારેય એને એના અધિકાર જેટલું સન્માન નહીં મળે! એટલે રોજ મહિલા દિવસ જેટલું જ માન સન્માન જોઈતું હોય તો સ્ત્રી સશક્તિકરણનાં મુદ્દે સ્ત્રીઓ જ વિચારવું પડશે! બલાત્કાર કે ઘરેલુ હિંસા કરનારો દિકરો હોય તો માતા એ જ એને સજા આપવી પડશે! ઘરની બહેન દિકરીઓનું શોષણ થતું હોય કે પક્ષપાત થતો હોય તો સ્ત્રીઓ એ એક થઈને આ બધું બંધ કરાવવું પડશે! તો આવો જ એક કિસ્સો બુધવારની બોધકથા માં!
રેવા બા પોતાની પૂજા કરતાં હતાં અને એણે જોયું કે આરતીની દીવડીમાં એક વાટ ઓછી છે! એમનો રુઆબ બહું, પૂજાની બાબતમાં જરાય ચલાવી લે નહીં! ઠાકોરજીને રોજ ભાતભાતનાં ભોગ ધરાય, અને નોકર ચાકર સહિત સૌમાં પ્રસાદની વહેંચણી થાય ! જરાપણ પક્ષપાત નહીં! આમ પણ એમનું કહેલું વાક્ય પથ્થરની લકીર જેમ, પછી એને કોઈ વખોડી ન શકે! મોટા દિકરાની વહુ કરુણા કાયમ પૂજાની તૈયારી કરી આપતી, રેવા બા કરુણા એમ રાડ પાડવાં જતાં હતાં, પણ આજસુધી કરુણાથી કોઈ દિવસ ભૂલ થઈ નથી! તો આજે શું થયું! કોઈક કારણ હોય શકે! નક્કી કંઈક અજુગતું થયું હોય એવાં એંધાણ વર્તાયા, એમણે ઠાકોરજીની મૂર્તિ સામે જોઈ કહ્યું મારાં વ્હાલાં, માની લેજે ! મારા પરિવારને સાચવી લેજે!
રેવા બા હરિ મંદિર માંથી બહાર આવ્યાં, અને સુનયના એ ડાઇનિંગ ટેબલ પર એની પ્લેટ ગોઠવી, પણ એણે કહ્યું આજે મારે ઉપવાસ છે! અને ત્યાં ઓફિસ જવા નાની વહુ એટલે કે પોયણી લકટ મટક થતી આવી , એણે ઉપવાસ સાંભળીને કહ્યું ઓહ અગિયારસ ! પણ એને જવાબ દીધાં વગર સીધાં મોટા દિકરાની રુમ તરફ ગયાં. સુનયના વિચારતી હતી, કે નથી આજે અગિયારસ, કે નથી ગુરુવાર! પણ પછી કામમાં પરોવાઈ ગઈ. પોતાના રુમ તરફ જતાં એને થયું કે કરુણાનાં રૂમમાં ડોકિયું કરું! પણ દિકરો રુમમાં હોય તો અવિવેક થશે! સ્હેજ જ આગળ ગયાં, ત્યાં એનાં રુમમાંથી એક ડૂસકું સંભળાયું, અને વય ના પાકટ અનુભવે એનાં પગ રોકાઈ ગયાં, અને આ તો કરુણા.. એણે રુમમાં પ્રવેશ કર્યો! બંનેની નજર ટકરાઈ! કરુણા એક જ સેકન્ડમાં આંખ લૂછી નાખી અને ઉભી થઈ ગઈ. રેવા બા એ પુછ્યું શું થયું! એણે કહ્યું કંઈ નહીં! આજે તબિયત સારી નથી લાગતી! એ સમજી ગયા કે આમન્યા નડે છે, એણે કહ્યું કે કરુણા તું ઘડિક ભૂલી જા કે હું તારી સાસુ છું! મને દેખાય છે, ત્યાં સુધી કાલે આંખી રાત તું સૂતી નથી. વાળ ની જેમ વિખરાયેલા શબ્દો શોધતી હોય એમ, પરાણે પરાણે કરુણા બોલી બા એ… અને ત્યાં તો રોકી રાખેલો આંસુનો ધોધ તૂટી ગયો. રેવા બા એ તેનાં વાસે હાથ ફેરવ્યો અને વ્હાલથી પુછ્યું બેટા મને નહીં કહે તો કોને કહીશ ! બા એ છૂટું કરવા માંગે છે, તું ચાલી જા, અને પાછાં કહે છે તું હવે મને નથી ગમતી! બા આ ઉંમરે હવે હું ક્યાં જાઉં! કોણ, કિરણ! એની આટલી હિંમત! પણ તું ચિંતા કરતી નહીં, હું તારી સાથે છું! એ જ પગલે પાછાં હરિ મંદિરમાં ગયાં અને ઠાકોરજીને કહ્યું કે જોજે મારી મમતા મને ખોટો નિર્ણય કરાવે નહીં! વચલા દિકરા પિયુષને મોટા ભાઈને તાત્કાલિક ઘરે આવવાનો ફોન કરવાં કહ્યું. કરુણાને કહ્યું એનાં બે જોડ કપડાં ભરી એક થેલો આપી જવાં કહ્યું! બધાં વિચારતા હતાં કે બા શું કરશે! બા શું થયું, એમ કરતાં કરતાં કિરણભાઈ ડેલે આવ્યાં, એમણે જોરથી ત્રાડ નાખતાં જ કહ્યું કે ભાઈ ત્યાં જ થોભી જા, અને પોતે જ ઉભા થઈ, એનાં હાથમાં થેલો પકડાવતાં કહ્યું કે, હવે આ ઘર સાથે તારાં દાણાં પાણી પૂરાં થયાં! મિલ્કતમાં ભાગ ભૂલી જજે, અને હાં વેપાર માટે જે રુપિયા લીધાં હોય એ, અત્યારનાં બજારભાવ પ્રમાણે વ્યાજ સાથે એક અઠવાડિયામાં પાછાં ભરી દેજો, નહીં તો પોલીસ કમપ્લેઈન થશે! પણ બા…. એમણે એનાં મોઢપર જ દ્વાર બંધ કરી દીધું, અને કહ્યું કે આજથી હું કરુણાની જ બા છું. ઘડીક વાર તો કિરણભાઈ ને કંઈ સમજાયું નહીં, અને એણે કહ્યું બા મને માફ કરી દે, પણ દ્વાર ન ખુલ્યા તે ન જ ખુલ્યા! ત્રણ દિકરા અને એક દિકરી ની મા એ બાકીનાં બે દિકરાને સંબોધીને કહ્યું કે બા ગમે તેવી ભૂલ માફ કરશે, પણ સ્ત્રીત્વ નું અપમાન તો ક્યારેય માફ નહીં જ કરે! બધાંને અંદરોઅંદર પોતાની મહાનતાની વાતો કરતાં છોડીને પોતાના રુમમાં આવી, એણે દ્વાર અંદરથી બંધ કરી દીધું, એને પોતાનો અતિત યાદ આવ્યો. એને તો પાંત્રીસ વર્ષની ઉંમરે જ વૈવધ્ય આવ્યું, અને પતિ સાથે રસોડું કરનારી એક નોકર મહિલાનું શું સ્થાન અને શું માન! પણ ગામના નિઃસંતાન જાગીરદારની પત્ની મોંઘી બા એ એનાં ઘણીને દિકરો માન્યો હતો. એકવાર મોંઘી બા પોતાનાં પિયર ગયેલાં, અને રાતમાં રુમનું દ્વાર ખુલ્યું, પોતે જોયું તરત લાજ કાઢી લીધી, બાજુમાં સૂતેલા નાના દિકરાને ચિટીયો ભર્યો, અને એણે રડવાનું શરૂ કર્યું! સમયની નજાકતને સમજી રુમમાં આવેલી એ વ્યક્તિ અંધારમાં સરકી ગઈ.. બીજે દિવસે સવારે એણે કહ્યું મારી વાત માની જા,ઘરની આબરુ ઘરમાં રહેશે, નહીં તો ચાર સંતાનો સાથે ઘર બહાર કાઢી મૂકવાની ધમકી આપી! પણ ત્યાં જ મોંઘી બા આવી ગયાં, અને પૂરક મૌનમાં રેવાની ખાનદાની,તો બીજી બાજુ ડોકાતી લાચારીને પારખી ગયા! અને કડક અવાજે કહ્યું ખાનદાની લજાવવા બેઠાં છો ! રેવા ક્યાંય નહીં જાય, તમારો સામાન બાંધો! મારા બાપે ખોટે ખીંટે ગા ને બાંધી! પાછું વળીને ક્યારેય જોશો નહીં! ગામ જાગે અને બેઆબરુ થશો એની કરતાં… અને એકપણ ડૂસકું ભર્યા વગર રેવાનો હાથ પકડીને અંદર લઇ આવ્યાં, અને પછી એ બે મહિલાઓનો આ પ્રતાપ કે એમણે ખેતી કરી, વેપાર કર્યો, અને આજ દેશ વિદેશમાં એની ખ્યાતિ થઈ. મોંઘી બા નાં પ્રમાણમાં પોતે તો કંઈ જ કર્યું નથી! કરુણા તો ઘરની જ આબરુ છે! એને કેમ બેઆબરૂ થવા દેવાય..?
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

