New Delhi, તા.5
ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી આર્થિક કટોકટીથી ભારતનું અર્થતંત્ર પણ મુક્ત રહી શકયુ નથી તે સીધો સંદેશ આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તેની દ્વીમાસીક બેઠકમાં વ્યાજદર 5.25 ટકાએ યથાવત રાખવા નિર્ણય લીધો છે.
ત્રણ દિવસની બેઠક બાદ આજે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યુ હતું કે રિઝર્વ બેંકની નજર ફુગાવા અને વિકાસદર પર છે. વર્તમાન સ્થિતિમાં આરબીઆઈએ અર્થતંત્ર માટે નેચરલ એટલે કે યથાવત સ્થિતિનું અનુમાન મુકયુ છે.
આગામી દિવસોમાં ઈરાન કટોકટી કઈ તરફ જઈ શકે છે તેના પર આરબીઆઈની નજર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ જો કે ક્રુડતેલ સહિતના ભાવવધારાના કારણે ફુગાવાનો અંદાજ 5.1 ટકાનો મુકયો છે.
જયારે જીડીપીમાં 2027ના પ્રથમ કવાર્ટરથી જ વિકાસદર ઘટશે અને 2027ના નાણાકીય વર્ષમાં 6.6 ટકાનો વિકાસદર રહેશે તે અંદાજ મુકયો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમના ચોમાસા અને અલનીનોની અસર પર પણ રિઝર્વ બેંકની નજર છે.
આમ લગભગ છ કવાર્ટર પછી આરબીઆઈએ વિકાસદરમાં ઘટાડો કર્યો છે તે પણ સૂચક છે. આ ઉપરાંત રૂપિયાને વધુ મજબૂત બનાવવા માટેના કેટલાક પગલાઓ પણ જાહેર કર્યા છે જેમાં નોન રેસીડેન્સ ઈન્ડીયા અને ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા માટે ભારતમાં રોકાણના નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે ડોલરનો ઈન્ફલો વધશે તે આરબીઆઈને આશા છે.
આ ઉપરાંત સરકાર પણ એકશનમાં આવી ગઈ છે અને આગામી દિવસોમાં રૂપિયાને મજબૂત બનાવવા અને અર્થતંત્રની મજબૂતાઈ જાળવી રાખવા સરકાર દ્વારા પણ પગલા લેવાનું નિશ્ચિત બની ગયું છે.
આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખતા બેંક ધિરાણ અને ડિપોઝીટના દરો યથાવત રહેશે અને તેની સાથે ઈએમઆઈ પણ યથાવત રહેશે. એક તરફ વધતા ફુગાવા સાથે જ આ પ્રકારની સ્થિતિ આગામી સમયમાં અર્થતંત્રમાં મોટી ચિંતાના સંકેત છે.
રૂપિયાને બચાવવા કવાયતઃ બોન્ડ રોકાણમાં વિદેશીઓને કેપીટલ ગેઈન ટેકસ નહી લાગે
એક તરફ રિઝર્વ બેંકે એનઆરઆઈ સહિતના વિદેશમાં રહેતા ભારતીયો માટે દેશમાં રોકાણ માટેના નિયમો હળવા બનાવાયા છે તો બીજી તરફ સરકારે ભારતીય બોન્ડમાં વિદેશી રોકાણમાં કેપીટલ ગેઈન ટેકસ પુરેપુરો રદ કર્યો છે.
આજે આ જાહેરાત કરતા જણાવાયું છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટને ભારતના બોન્ડમાં રોકાણમાં કોઈપણ પ્રકારનો કેપીટલ ગેઈન ટેકસ લાગશે નહી. આમ સરકારે રૂપિયાને ડોલરના ફાયરીંગથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો હોય તેવું મનાય છે.

