(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
Jamnagar જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતી કામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં એક ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસની માહિતી મુજબ, ડેરી આંબરડી ગામના પરેશભાઈ ડાયાભાઈ પીપરોતર (ઉ.વ. આશરે ૩૨), વ્યવસાયે ખેડૂત, પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક/જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરી દવાની અસર ચડી જતાં તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે તેમના ભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પીપરોતરે શેઠવડાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એન. આસાણી ચલાવી રહ્યા છે.

