Gandhinagar,તા.૨૧
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ અમલી હોય તેવો ચોંકાવનારો ખુલાસો ગૃહવિભાગના સત્તાવાર આંકડા પરથી થયો છે. રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનતાએ જાગૃતિ દાખવીને દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરુદ્ધ પોલીસ તંત્રને 48 હજારથી વધુ ફરિયાદો કરી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ફરિયાદો મળવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાયદાના રક્ષકો જ હવે બુટલેગરોના રક્ષક બની બેઠા હોય તેવી સ્થિતિ સર્જાતાં દારૂબંધીનો કાયદો મજાકરૂપ બની ગયો છે.ગૃહવિભાગના આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબાર વિરુદ્ધ કુલ 48,387 ફરિયાદો નોંધાઈ છે. આ હિસાબે દર મહિને સરેરાશ 1500થી વધુ નાગરિકો પોલીસને દારૂના અડ્ડાઓની માહિતી આપી રહ્યા છે. પ્રજા પોતાની નાગરિક ફરજ નિભાવી રહી છે, પરંતુ પોલીસ તંત્ર બુટલેગરો સામે આંખ આડા કાન કરી રહ્યું છે. નાગરિકો દ્વારા પોલીસ કમિશનર અને જિલ્લા ડીએસપી કચેરીઓ સુધી લેખિત તેમજ મૌખિક ફરિયાદો પહોંચાડવામાં આવે છે, છતાં પરિણામ શૂન્ય રહે છે.
ગૃહવિભાગે નાગરિકો તરફથી ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ ફરિયાદોના આધારે બુટલેગરો સામે શું ગુના દાખલ કરાયા કે કેટલા દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવ્યા, તેનો કોઈ ફોડ પાડ્યો નથી. ગૃહવિભાગના આ મૌનને કારણે પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યાં સુધી પોલીસ અને બુટલેગરો વચ્ચે ચાલતી ‘હપ્તા પ્રથા’ બંધ નહીં થાય, ત્યાં સુધી ગુજરાતમાંથી દારૂનું દૂષણ નાબૂદ થઈ શકે તેમ નથી. સામાન્ય જનતા હિંમત કરીને દારૂના અડ્ડાઓની માહિતી આપે છે, ત્યારે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે ખુદ પોલીસ જ બુટલેગરોને બાતમી આપી દેતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદ અને સુરત જ નહીં, પરંતુ ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં દારૂના અડ્ડાઓ અંગે ફરિયાદો ન થઈ હોય.
બોટાદ લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માંગ કરી હતી કે બોટાદ લઠ્ઠાકાંડના આરોપીઓને શું સજા થઈ તેનો ગૃહવિભાગ સ્પષ્ટ જવાબ આપે. જો સરકાર લઠ્ઠાકાંડ મુદ્દે ખરેખર ગંભીર હોય, તો જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ કરાવવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે કમલમ સુધી હપ્તા પહોંચતા હોવાથી પોલીસ લોકોને મરવા માટે છોડી દે છે. દારૂના કારણે હજારો મહિલાઓ વિધવા થઈ રહી હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ કેમ બંધ થતું નથી, તે આજે સમગ્ર રાજ્યની જનતાને મુંજવતો મુખ્ય પ્રશ્ન બન્યો છે.

