(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagar શહેરના સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય હારુભાઈ ઓસમાણભાઈ શેખને સગીરા સાથે જાતીય સતામણીના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કેસની હકીકત મુજબ ફરિયાદીની ૧૫ વર્ષ ૬ માસની સગીર વયની પુત્રી તા. ૧૦-૦૩-૨૦૨૪ના રોજ આરોપીના ઘરે પાણી ભરવા ગઈ હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક જાતીય સતામણી કરી હતી. આ અંગે સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ, જામનગરમાં કેસ નં. ૧૪/૨૦૨૪ તરીકે ચાલ્યો હતો.સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૭ સાક્ષીઓ તથા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર. પી. મોગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-૮ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને ૩ વર્ષની સખત કેદ, રૂ. ૫,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ. ૧ લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે વિશેષ સરકારી વકીલ ભારતી વાદી રોકાયા હતા.

