Bhavnagar,તા.૯
શહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગે ચાલુ ડ્રાઈવ અંતર્ગત સતત બીજા દિવસે પણ તપાસ અને દરોડા યથાવત રાખ્યા હતા. આ દરમિયાન ૪૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે લેવાયો છે.
આજની કામગીરીમાં મનપાની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી હતી. ત્રણ સ્થળોએથી અંદાજે ૪૦૦ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું, જેને સ્થળ પર જ જપ્ત કરાયું. નિયમભંગ બદલ કુલ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
ડ્રાઈવના પહેલા દિવસે ચિત્રા જીઆઇડીસી સ્થિત શ્રીજી પેકેજિંગમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો પકડાયો હતો. સિંધુનગરના એક સ્ટોરમાંથી પણ ૪૫૦ કિલો પ્લાસ્ટિક સામગ્રી મળતાં તેને કબજે લેવાઈ હતી. બે દિવસ દરમિયાન મનપાએ અંદાજે ૪.૧૫ લાખ રૂપિયાની કિંમતનો કુલ ૨.૮ ટન પ્રતિબંધિત જથ્થો પકડી પાડ્યો છે.
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ સંપૂર્ણપણે બંધ કરાવવા મનપાનું તંત્ર સક્રિય બન્યું છે. સોલિડ વેસ્ટ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી શહેરનું પર્યાવરણ જળવાઈ રહે. વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેના નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે, અન્યથા મહાનગરપાલિકા દ્વારા દંડ ઉપરાંત વધુ આકરાં પગલાં લેવાઈ શકે છે.

