લાકડાના ધોકાના ઘા વાગતાં પતિ-પત્નીના માથામાં ટાંકા આવ્યા જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
જામનગર શહેરમાં બાળકોની ક્રિકેટ રમવાની બાબતે બે મહિના પહેલાં થયેલી તકરારનો ખાર રાખી પડોશી પરિવાર દ્વારા દંપતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સીટી બી પોલીસ મથકે નોંધાઈ છે. હુમલામાં લાકડાના ધોકા તથા ઢીકાપાટુના મારથી પતિ-પત્ની બંનેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં ટાંકા લેવા પડ્યા હતા. પોલીસે ત્રણ પાડોશી આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહીલ (ઉં.વ. ૪૭), રહે. મધુરમ રેસીડન્સી, મધુરેશ્વર મહાદેવ મંદિર પાસે, વિનાયક પાર્ક, રામેશ્વરનગર, જામનગર, ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પત્ની હર્ષાબા અને પુત્ર સાથે લોનના કામ માટે બેંકે ગયા હતા. બપોરે ઘરે પરત ફરતાં તેમના ઘરની સામે રહેતો હરદીપસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા શેરીમાં ઊભો હતો. તે દરમિયાન હરદીપસિંહે ફરિયાદીને ગાળો આપતાં બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલીનો અવાજ સાંભળી હરદીપસિંહના પિતા પ્રધ્યુમનસિંહ જેઠવા તથા માતા અરુણાબા પણ બહાર આવી ફરિયાદી અને તેમની પત્ની સાથે ઝઘડામાં જોડાયા હતા. ફરિયાદ મુજબ ત્રણેયે ગાળાગાળી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન હરદીપસિંહ ઘરમાંથી લાકડાનો ધોકો લાવી ફરિયાદીના માથા અને ડાબા પગના ગોઠણ પર ઘા કર્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલી હર્ષાબાના માથામાં પણ ધોકાનો ઘા વાગ્યો હતો.
હુમલા બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનેના માથામાં છ-છ ટાંકા લેવા પડ્યા હોવાનું તેમજ શરીરે અન્ય મુઢ ઇજાઓ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બનાવ બાદ પ્રધ્યુમનસિંહે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ફરિયાદ અનુસાર આશરે બે મહિના પહેલાં બાળકોની ક્રિકેટ રમવાની બાબતે બંને પરિવારો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. તે ઘટનાનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સીટી બી પોલીસે ફરિયાદના આધારે હરદીપસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા, પ્રધ્યુમનસિંહ જેઠવા અને અરુણાબા જેઠવા સામે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. પી. કે. ગુઢકાને સોંપી છે.

