(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
Jamnagar શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૩૦,૮૦૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે.
જામનગરના સીટી ’બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું.
દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર ડ્રીમ સિટી, શેરી નં. ’સી’ ખાતે આવેલા એક મકાન પાસે મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રીનાબેન રમેશભાઈ પટેલ, હેમાબેન પરેશભાઈ ખુબચંદાણી, લતાબેન હરીશભાઈ હિંદુજા, સુનીતાબેન જીતુભાઈ નાગપાલ, મધુબેન જેરામભાઈ વાછાણી અને આશાબેન યોગેશભાઈ મેવાડાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે મહિલાઓ પાસેથી કુલ રૂ. ૩૦,૮૦૦ની રોકડ તેમજ ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. આ અંગે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી. જી. રાજ, એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા તેમજ તેઓની ટીમે કરી હતી.

