Rajkot,તા.૧૭
રાજકોટ જિલ્લાના લોધિકા સહકારી સંઘની ચૂંટણી જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સંઘની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી ન રહેતા ભાજપના બે સિનિયર નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચેના વર્ચસ્વની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. એક તરફ રાદડિયા જૂથ પોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સક્રિય છે, તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ પોતાના સમર્થિત ઉમેદવારોને આગળ લાવવા માટે મથામણ કરી રહ્યા હોવાની ચર્ચા છે.
લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી માટે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સંઘની કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં મતદાર મંડળી જૂથમાંથી ૧૫ અને વ્યક્તિગત જૂથમાંથી ૧ બેઠકનો સમાવેશ થાય છે.
ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ૧૭થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાશે. ૨૧ ઓગસ્ટે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ૨૨ ઓગસ્ટે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા ૨૨થી ૨૭ ઓગસ્ટ સુધી ચાલશે અને ૨૯ ઓગસ્ટે હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. જો મતદાન જરૂરી બનશે તો ૮ સપ્ટેમ્બરે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી મતદાન થશે અને ૯ સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.
લોધિકા સહકારી સંઘ ભલે માત્ર બે તાલુકાના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય, પરંતુ આ વખતની ચૂંટણીનું રાજકીય મહત્વ વધી ગયું છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંઘના આગામી ચેરમેન સુધીની ગોઠવણીમાં એક તરફ જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા, તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સક્રિય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
પૂર્વ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રભાવ ધરાવે છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, સહકારી સંસ્થાઓમાં મેન્ડેટને લઈને ભાજપના સંગઠન દ્વારા લેવાતા નિર્ણયોના કારણે સહકારી ક્ષેત્રમાં જૂના રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિમાં રાદડિયાના રાજકીય હરીફો પણ સહકારી ચૂંટણીને પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક તરીકે જોઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
અરવિંદ રૈયાણીની ચેરમેન પદ પર નજર
લોધિકા સહકારી સંઘના આગામી ચેરમેન પદ માટે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નામ ચર્ચામાં છે. અગાઉની ટર્મમાં પણ તેમણે ચેરમેન બનવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.હવે ફરી ચૂંટણી જાહેર થતાં રૈયાણીએ ડિરેક્ટર પદ માટેની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે. તેઓ પોતાના સમર્થિત ઉમેદવારોને ડિરેક્ટર તરીકે જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારો સામે રૈયાણી જૂથના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે અરવિંદ રૈયાણીને ભાજપ પ્રદેશ તરફથી પ્રશાંત કોરાટનું સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ, લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા પણ ચેરમેન પદ માટે પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે. નવા રાજકીય સમીકરણોમાં નિતીન ઢાંકેચા હવે જયેશ રાદડિયા જૂથની નજીક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, એક તરફ રૈયાણી અને બીજી તરફ ઢાંકેચા વચ્ચે ચેરમેન પદ માટેની સ્પર્ધા જોવા મળી શકે છે.
૧૫ ઓગસ્ટે રાજકોટ ડેરીના એક કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. મંત્રી જીતુ વાઘાણી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોનું હિત સર્વોપરી હોવું જોઈએ અને તેમાં રાજકારણ ન હોવું જોઈએ. રાદડિયાના આ નિવેદનને સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી મેન્ડેટની ચર્ચા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે.
જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ બંને રાજકોટ જિલ્લાના એક જ રાજકીય વિસ્તારમાંથી આવે છે. જે વિધાનસભા બેઠકનું હાલમાં જયેશ રાદડિયા પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં અગાઉ પ્રકાશ કોરાટાના પિતા અને માતા બંને ધારાસભ્ય રહી ચૂક્યા છે. સમય સાથે બદલાયેલા રાજકીય સમીકરણોના કારણે આ બેઠક પર રાદડિયાનું વર્ચસ્વ ઊભું થયું છે. બીજી તરફ પ્રકાષ કોરાટ ભાજપ સંગઠનમાં સતત મહત્વની જવાબદારીઓ સંભાળતા આવ્યા છે. હવે લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં બંને જૂથોની સક્રિયતા આગામી દિવસોમાં જિલ્લામાં રાજકીય સમીકરણો પર પણ અસર કરી શકે છે.

