હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! શિવ તત્વ વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું! ઘણીવાર તો આંખો શ્રાવણ ચાલ્યો જાય, છતાં એમ થાય કે હજી એવું કંઈ લખ્યું જ નથી, એવાં સતત પ્રેરણાદાયી ચરિત્રની મહત્તા આપણે ભોગી જીવ કેમ વર્ણવી શકીએ! શિવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો, આ મહિનામાં શક્તિ અને શિવ બંનેનું મહાત્મ્ય ગાવાનો અવસર મળ્યો! આપણે ગઈકાલે જોયું એમ, આપણામાં પણ ત્રણ ભિન્ન કક્ષામાં શિવ, શંભુ અને શંકરનું સત્વ તત્વ ભ્રમણ કરે છે. ભગવાન શંકર એનાં ઘણાં નામ અને ગુણને કારણે ઓળખાય છે, પણ એમની એક ઉપલબ્ધિ એવી છે કે, આ વિશેષણ આપણે અન્ય કોઈ દેવ માટે પ્રયોજી શકતાં નથી, અને એ છે અજન્મા! અજન્મા એટલે એવું તત્વ જે કોઈ માતાની કૂખે જન્મતું નથી, પણ પ્રગટ થાય છે! એને ઉંમર સાથે પણ કંઈ લેવાદેવા નથી! અને એટલે આપણે આજે ઉંમરનાં જે મુકામ પર હોઈએ ત્યાં, એને કલ્યાણનાં માધ્યમથી પ્રગટ કરી શકીએ છીએ! તો આવાં કળિયુગની ભયંકરતા માં જીવનમાં નાનાં મોટાં ફેરફારો કરીને, અથવા તો ખોટું ન થાય, એ માટે જાગૃત રહીને પણ આપણે એનાં ગુણોને આત્મસાત કરી શકીએ છીએ, અને ધીરેધીરે સતયુગ તરફ ડગલું ભરી શકીએ છીએ.
ભગવાન શંકર કરુણા અવતાર છે, અને એમનો મૂળ સ્વભાવ કરુણા છે, તો આજે આ વાતને જુદી રીતે સમજીએ. શિવ એટલે જીવની અધ્યાત્મિક યાત્રાના અંતે પ્રાપ્ત થતી પૂર્ણ પરાકાષ્ઠાની સ્થિતિ, કે જ્યાં જીવ જ શિવ તત્વમાં ફેરવાઈ જાય છે. આ લખવું અને કહેવું એ જેટલું સહેલું છે, એટલું કરવું બહુ અઘરું છે, શિવ થવાનું વિચારી એટલે શકાય કે શિવ પણ આપણી જેમ સંસારી છે. પરંતુ જીવ પૂર્ણ પણે સંસારી અને ભોગી છે, અને એને ભગવાન શંકરની સ્થિતિએ લઈ જવાનો છે, એટલે કે એનાં સ્વભાવને આત્મસાત કરવાનો છે. ભગવાન શંકર ત્રિગુણાવતીત છે, એટલે અહીં સત્વ રજસ અને તમસની પણ બાદબાકી હોય, એવો સ્વભાવ બનાવવાનો છે, આ ઉપરાંત વિષમ પરિસ્થિતિઓનું વિષ પી ને પણ પ્રસન્ન રહેવાનું છે. વૈરાગ્યની વૃતિને કેળવીને, સ્મશાનમાં રહેવાનું છે, એટલે કે નિત્ય મૃત્યુનું સ્મરણ કરી, મૃત્યુ એ શાશ્વત સત્ય છે એને સહજ બનાવવાનું છે. અઘરું છે પરંતુ અશક્ય નથી. આપણે કહ્યું એમ ભગવાન શંકર સંસારી છે, અને એણે સંસારી હોવા છતાં સંન્યાસીના ધર્મને સહજ રીતે નિભાવ્યો છે.
પરિવારથી જ દરેકનું પરિસર બનતું હોય છે, તો એ રીતે વિચારીને ભગવાન શંકરનાં પરિવારની વાત કરીએ તો, માતા સતી એટલે કે બુદ્ધિ, તો બુદ્ધિમાં જ્યારે શંકા કે સંશયનો પ્રવેશ થાય, ત્યારે એનો પણ ત્યાગ કરવો! પાર્વતી એટલે શ્રદ્ધા! તો એને પ્રેમ માન સન્માન આપવું, એટલે કે શ્રદ્ધાની પુષ્ટિ કરવી. ગણેશ એટલે પરિપક્વ વિવેક પણ જ્યારે વિવેકનાં નામ પર બગાવત કરે તો એને પણ અહંકાર મુક્ત કરવા એનો છેદ કરવો. કાર્તિકેય એટલે શૂરવીરતા,પણ આપણાં બળ પર અહમ આવે ત્યારે એને નાથવું બહુ જરૂરી છે. ભગવાન શંકરનું વાહન નંદી એટલે કે ધર્મનાં વાહન પર બેસીને જીવન વિચરણ કરવું! અને સદા સૌ માનવતાનાં ધર્મ પ્રેરિત થાય એવો વ્યવહાર કરવો.
હવે કરુણાનો મૂળ ભાવ એટલે કે આપવાની વૃત્તિ! આપણી માટે આમ તો આપવા માટે કંઈ એવું છે નહીં! છતાં ઈશ્વરે થોડું ઘણું કંઈ આપ્યું હોય, તો સામેવાળાના ગુણ દુર્ગુણ જોયા વગર એની જરૂરિયાતને મહત્વ આપી એને આપવું એ શંકરનો પહેલો સ્વભાવ છે. સમગ્ર સૃષ્ટિનાં હીતનું તો આપણે કેટલું વિચારી શકીએ! આપણા આચરણની તો ઠીક પણ વિચારની એક મર્યાદા છે! પરંતુ છતાં સમસ્ત સૃષ્ટિના હીત માટે સતત પ્રયત્નશીલ રહેવું, જેમકે પ્રકૃતિ સંવર્ધન વિશે પણ વિચારવું! સામાન્ય રીતે દ્રષ્ટિથી જે દેખાતું હોય એ જ સત્ય નથી, એવી સમજણ કેળવવી, અને અન્ય સાથેનો વ્યવહાર સુમધુર રાખવો એ ત્રિનેત્રીનો મૂળ લક્ષણ છે, એટલે કે સમજણનું ત્રીજું નેત્ર અભ્યાસથી ખોલવું. વૈરાગ્ય પરિપક્વ થાય એ માટે સત્ય પ્રેમ ને કરુણાનું ત્રિપુંડ કરવું! આપણે સ્થૂળ રીતે તો મહાદેવના ઉપાસક છીએ એમ દર્શાવવા આવું કરતા હોઈએ છીએ, પણ સુક્ષ્મ રીતે એ સ્થિતિ તરફ જોતા પણ નથી. ગંગા ને જટામાં સમાવી એટલે કે સાંસારિક વૃત્તિઓમાં પવિત્રતા રાખવી. ભાલમાં બીજનો ચંદ્ર એટલે કલા કે વિદ્યાની પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેને પૂર્ણતા બક્ષવી. સામાજિક નિંદા ઈર્ષા કે અન્યના અન્ય પ્રકારના દૂષિત ભાવને બહાર જ રોકી દેવા અંદર પ્રવેશે નહીં, તેનું સતત ધ્યાન રાખવા સર્પનો શણગાર કર્યો. ડમરુંનો નાદ પોતે શંકર છે, એને અન્યથી કોઈ લેવાદેવા નથી, એવી મસ્તીમાં રાખવા માટે છે. ત્રિશૂલ એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું મુખ્ય શૂળ, ભોગની લાલસા, એને નાથવા માટે. વાધ ચર્મ પર આસન એટલે હિંસક વૃત્તિની સમાપ્તિ,અને અહિંસાનું આચરણ.
તો ભારતીય અધ્યાત્મદર્શનમાં જીવનું શિવ થવું એ શક્ય બતાવ્યું છે, અને જે ઈશ્વર નામે અધ્યાર તત્વ છે, એને આપણી અંદર જ મહેસુસ કરવાનું છે, અને એટલે જ અહમ બ્રહ્માસ્મીની વાત પણ આવી. આ સૂત્ર એક ખુમારી દર્શાવે છે, નહીં કે અહમ! પરંતુ આપણે એવી સ્થિતિ અર્જિત કર્યા વગર અહમ બ્રહ્માસ્મી થઈ, અને સમાજમાં આતંક ફેલાવીએ છીએ, જેને કારણે સામાજિક અશાંતિ છે. શિવ તત્વની પ્રાપ્તિ કે અનુભૂતિ એ અંતરને પ્રકાશિત કરનારી છે, અને એ આપણી અંદરના નકારાત્મકતા રુપી અંધકાર ને દૂર કરી ઈશ્વરમાં ઓતપ્રોત થઈ જતી એક એવી સ્થિતિ છે, કે જ્યાં દર્શન માત્રથી પવિત્રતાનો અનુભવ થાય,અને સર્વનાં કલ્યાણ માટેનો વિચાર આવે! આ ઉપરાંત જ્યાં સંસારમાં પણ સહજતાથી સંન્યાસ નિભાવી શકાય છે! અને સંન્યાસ એટલે વૃત્તિનો પરમ વૈરાગ્ય, સંન્યાસ એટલે જ્યાં મારું મારું સમાપ્ત, સંન્યાસ એટલે ગુણ દુર્ગુણની સમાપ્તિ, એટલેકે સર્વનો સ્વીકાર! બુદ્ધિની અનુગામી કક્ષા કે જ્યાં સરળ શ્રદ્ધા નું સ્થાપન, પરિપક્વ વિવેક,અને સંસ્કૃતિ ના રક્ષણ માટેની શૂરવીરતા હોય! તો શિવ, શંકર બંને ભિન્ન હોવા છતાં આપણે એ સ્થિતિ નિર્માણ કરીને શિવત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ! આપણી સંસ્કૃતિ જ છે, કે જ્યાં માનવી પણ ઈશ્વરની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે! તો આવી ઉમદા વિચારો ના પાયા પર ઉભેલી આપણી મહાન સંસ્કૃતિ મુકીને આપણે શું કામ અન્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવું જોઈએ? બિલકુલ નહીં! જાગ્યા ત્યારથી સવાર! એ કહેવત અનુસાર આપણે સૌ આપણી સંસ્કૃતિને મહત્વ આપી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

