New Delhi, તા. 31
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) નોકરી કે સર્વિસ સંબંધિત બાબતોમાં કોઈ બંધનકર્તા કે ન્યાયિક આદેશ જાહેર કરી શકે નહીં.
બંધારણનાં અનુચ્છેદ 338 હેઠળ આયોગની ભૂમિકા માત્ર ફરિયાદોની તપાસ કરવા, સલાહ આપવા અને ભલામણો કરવા પૂરતી જ સીમિત છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આયોગ પાસે અદાલતની જેમ કોઈ વિવાદનો આખરી નિકાલ કરવાનો કે આદેશો અમલમાં મુકાવવાનો અધિકાર નથી.
તપાસ દરમિયાન આયોગને સિવિલ કોર્ટ જેવી કેટલીક સત્તાઓ મળેલી છે, જેમ કે સાક્ષીઓને સમન્સ પાઠવવા, પુરાવા એકઠાં કરવા કે દસ્તાવેજો મંગાવવા. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ શક્તિઓ ફક્ત તપાસ પ્રક્રિયા પૂરતી જ છે અને તેના આધારે આયોગ અદાલતની જેમ આખરી ચુકાદો આપી શકતું નથી. આયોગ પોતાની તપાસ પૂરી કર્યા પછી રિપોર્ટ અને ભલામણો સરકારને મોકલી શકે છે, પરંતુ તેના નિર્દેશોને કાનૂની રીતે ફરજિયાતપણે લાગું કરાવી શકાતાં નથી.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની પીઠે બોમ્બે હાઈકોર્ટનાં એક આદેશને રદ કરતાં આ નિર્ણય સંભળાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોર્ટ ઓથોરિટીના એક અનુસૂચિત જાતિના કર્મચારીને પ્રમોશન અને પાછલી બાકી રકમ આપવાના NCSCના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં એ ચુકાદાને રદ કરતાં પુનરોચ્ચાર કર્યો હતો કે NCSC સામાજિક ન્યાય માટે કામ કરતી બંધારણીય સંસ્થા છે, પરંતુ તે અદાલતની ભૂમિકા ભજવી શકે નહીં.

