દેશી ઓલાદની ગીર, કાંકરેજ ગાય અને જાફરાબાદી, બન્ની ભેંસના સંવર્ધન-ઉછેરને પ્રોત્સાહિત કરવાનો રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar,તા.૧૪ઃ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ ખાતે યોજાતા વિશ્વવિખ્યાત લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે ૧૪ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૧૬ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર શ્રી જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, તરણેતરના સરપંચશ્રી તથા સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક પશુ પ્રદર્શન નિહાળી પશુપાલકો સાથે સંવાદ સાધીને તેઓ પશુઓની કઈ રીતે સારસંભાળ કરે છે તેની માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ આ હરીફાઈના વિવિધ પાસાઓ અને પશુઓની વિવિધ નસલો અંગે મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. બાદમાં પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ તેમજ દૂધ સંઘની વિવિધ સહકારી યોજનાઓ અંગેની વિસ્તૃત જાણકારી દર્શાવતા પોસ્ટરો નિહાળી વિગતવાર માહિતી મેળવી હતી. આ અવસરે આત્મા વિભાગ દ્વારા આયોજિત કૃષિ પ્રદર્શની સ્ટોલની પણ ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ પશુપાલન વિભાગ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આરંભાયેલી આ પશુ પ્રદર્શન હરીફાઈ વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાનિર્દેશ હેઠળ યોજાઈ રહી છે. વર્ષ ૨૦૦૮થી યોજાતી આ હરીફાઈનો મુખ્ય હેતુ શુદ્ધ દેશી ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ – ગીર, કાંકરેજ ગાય તેમજ જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન આપવાનો છે. ચાલુ વર્ષે યોજાયેલી આ હરીફાઈમાં અંદાજિત ૨૨૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા યોજાશે.
આ પશુ પ્રદર્શન હરીફાઈમાં પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ કેટેગરીમાં લાખો રૂપિયાના ઈનામો આપવામાં આવશે. હરીફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓલાદમાં ત્રણ-ત્રણ કેટેગરીમાં ઈનામો આપવામાં આવે છે, જેમાં ગાય વર્ગમાં વોડકી, ગાય અને સાંઢ તથા ભેંસ વર્ગમાં ભેંસ, જોટું (ખડેલી) અને પાડો એમ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. દરેક વર્ગની દરેક કેટેગરીમાં પ્રથમ ઈનામ પેટે રૂ. ૫૦ હજાર અને દ્વિતિય ઈનામ પેટે રૂ. ૪૦ હજાર ચૂકવવામાં આવશે. આ મુજબ કુલ ૨૪ ઈનામો ઉપરાંત સર્વશ્રેષ્ઠ પશુને ચેમ્પિયન ઓફ ધ શો તરીકે રૂ. એક લાખનું ઈનામ આપવામાં આવશે. આમ, કુલ ૨૫ ઈનામો માટે રૂ. ૬.૨૦ લાખની રકમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત હરીફાઈમાં ભાગ લેતા દરેક પશુ માટે રૂ. ૪ હજારનું આશ્વાસન ઈનામ પણ રાખવામાં આવ્યું છે.
પશુપાલકોને પ્રોત્સાહન રહે તે માટે પશુઓના પરિવહન ખર્ચ અને નિભાવ ખર્ચ પેટે પણ પશુપાલન નિયામકની કચેરી દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જેમાં થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મૂળી તાલુકા માટે રૂ. ૧૪૦૦, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે રૂ. ૪,૦૦૦ તથા અન્ય જિલ્લાઓમાંથી આવતા પશુઓના પરિવહન માટે રૂ. ૮,૦૦૦ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર પ્રત્યેક પશુ માટે દૈનિક રૂ. ૧૦૦૦ લેખે ત્રણ દિવસનો નિભાવ ખર્ચ પણ પશુપાલકને ચૂકવાશે. આમ, ભાતીગળ સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત એવો તરણેતર મેળો રાજ્યના દેશી ઓલાદના પશુધનની જાળવણી અને સંવર્ધનનું અનોખું પ્રતિક બની રહ્યો છે.

