જુગારના એક દરોડા દરમિયાન તોડ કરવાના પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ. સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૪ઃ
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલા કુમકુમ એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા જુગારધામ પર ૧૧૨ નંબરની પીસીઆર વાનના જવાનોએ દરોડો પાડ્યા બાદ રૂ.૩૫ હજારનું સેટલમેન્ટ કરી લીધું હોવાના આક્ષેપો સાથેનું પ્રકરણ સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ગંભીર નોંધ લઈ ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ બે પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
શહેરમાં જુગારધામો સામે કાર્યવાહી દરમિયાન ૧૧૨ના પોલીસકર્મીઓ દ્વારા તોડકાંડ કરાયાના પ્રકરણો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે અને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસના ભાગરૂપે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સેટલમેન્ટના આક્ષેપોની સત્યતા ચકાસવા તેમજ સમગ્ર ઘટનાક્રમની કડીઓ મેળવવા પોલીસ દ્વારા વિવિધ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણમાં ફરજ દરમિયાન ગંભીર બેદરકારી, શિસ્તભંગ અને ગેરરીતિ દાખવવા બદલ ૧૧૨ની પીસીઆર વાનમાં ફરજ બજાવતા એએસઆઈ નરેશભાઈ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ મીતરાજસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.બે પોલીસકર્મીઓ સામેની સસ્પેન્શન કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી તપાસને પગલે પોલીસબેડામાં ભારે ચર્ચા જાગી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

