પેપર સેટ કરનારા શિક્ષકોને ભાષાંતરનું પણ કામ સોંપાયું હોવાથી પ્રશ્નોને યાદ કરવા માટે વધુ સમય મળી ગયો હતો
New Delhi, તા.૧
નીટ-યુજી પેપર લીક મુદ્દે તપાસ કરી રહેલી એજન્સી સીબીઆઇને મોટો પુરાવો હાથ લાગ્યો છે. એજન્સીનો દાવો છે કે પેપર લીકનું સૌથી મોટું કારણ એનટીએની પરીક્ષા પ્રક્રિયામાં રહેલી એક ગંભીર ખામી જવાબદાર છે. જે શિક્ષકોને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પેપર તૈયાર કરવાનું કામ સોંપાયું હતું તેમને જ બાદમાં એ જ પ્રશ્નપત્રનું મરાઠીમાં ભાષાંતર કરવાનું કામ પણ સોંપાયું હતું. ધરપકડ કરાયેલા ત્રણ શિક્ષકો એનટીએના પેપર સેટિંગ પેનલનો હિસ્સો હતા.જે શિક્ષકોની પેપર લીક કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમાં પી. વી. કુલકર્ણી, મનીષા ગુરૂનાથ મંડારે અને મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ ત્રણેય શિક્ષકોને ભાષાંતરનું કામ પણ મળ્યું હતું તેથી પેપરોને યાદ રાખવા માટે ત્રણેયને લાંબો સમય મળી ગયો હતો. પ્રશ્નોને યાદ કરી લીધા બાદ તેમણે પુણેમાં પોતાના જ કોચિંગ ક્લાસના કેટલાક પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધા હતા.સીબીઆઇની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપી શિક્ષકોને સુરક્ષાને કારણે એક સેનેટાઇઝ્ડ વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા જેથી પ્રશ્નપત્રો પુરી રીતે ગુપ્ત રહે. જોકે તેમ છતા તેમણે પ્રશ્નોને રટી લીધા અને બાદમાં લીક કરી દીધા હતા. જે સમયે શિક્ષકોને સેનેટાઇઝ્ડ વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને કોચિંગ સેન્ટર કે ઘરે જવાની છૂટ અપાઇ હતી જેને કારણે પણ પ્રશ્નોને લીક કરવા તેમના માટે સરળ બની ગયું હતું. જોકે બાદમાં તેમણે પોતાના વિદ્યાર્થીઓને એવા સવાલોનો જ અભ્યાસ કરાવ્યો કે જે બાદમાં નીટમાં પૂછાયા હતા. આ પુરા નેટવર્કમાં પુણેની એક બ્યૂટીશિયન મનીષા વાઘમારેની પણ ભૂમિકા છે. વાઘમારે આ ત્રણેય આરોપી શિક્ષકોને ઓળખતી હતી. તેણે આ સવાલોને એકત્રીત કર્યા અને બાદમાં ટાઇપ કરીને પીડીએફ તૈયાર કરી હતી. બાદમાં આ પીડીએફ ધનંજ લોખંડે સુધી પહોંચી હતી. લોખેંડે બાદમાં આ પેપરને અન્ય લોકોને વેચ્યું હતું.

