પ્લેટફોર્મ નં. ૧ પર પથ્થર વડે હુમલામાં ગંભીર ઘવાયેલા ભુપેન્દ્રનું સારવાર દરમિયાન મોત; સલાઉદીન માજોઠી અને અક્રમ માંજોઠીની ધરપકડ કરી જેલહવાલે કરાયા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯
જામનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર તા. ૧૯ ઓગસ્ટની રાત્રે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભુપેન્દ્ર નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો છે. બનાવ અંગે જામનગર રેલવે પોલીસે તપાસ તેજ કરી હુમલામાં સંડોવાયેલા સલાઉદીન માંજોઠી અને અક્રમ માંજોઠી નામના બે આરોપીઓને ઝડપી લઈ જેલહવાલે કર્યા છે. તેમજ ભુપેન્દ્રના મોતને પગલે કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં ગેસના ચૂલા અને વાસણ વેચવાનું કામ કરતા સોહીલ પાસેથી ઉત્તર પ્રદેશના લલીતપુરના વતની અરમાને પૈસાનો ઉપાડ લીધો હતો. અરમાન અને તેની પત્ની કામ છોડીને સોહીલને જાણ કર્યા વગર પોતાના વતન જવા તા. ૧૮ ઓગસ્ટની રાત્રે જામનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં સોહીલ સાથે ભુપેન્દ્ર, મૂળ અલીગઢના અને હાલ જામનગરમાં રહેતા ફરિયાદી સાબુદીન લડકાન શાહ તથા એક રિક્ષાચાલક અરમાનની શોધખોળ માટે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
દરમિયાન તા. ૧૯ ઓગસ્ટના રોજ રાત્રિના એક વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નં. ૧ના રાજકોટ તરફના છેડે અરમાન સાથે વાતચીત ચાલી રહી હતી. આ સમયે અરમાનની પત્ની ગભરાઈ જતાં તેણે પ્લેટફોર્મના છેડે નીચે બેઠેલા કેટલાક લોકોને મદદ માટે જાણ કરી હતી. ત્યારબાદ ત્યાં આવેલા બે શખ્સોમાંથી એકે ભુપેન્દ્ર સાથે મારામારી કરી હતી, જ્યારે બીજા શખ્સે પ્લેટફોર્મની ફેન્સિંગ નજીક પડેલો પથ્થર ઉપાડી ભુપેન્દ્રના માથાના ભાગે ઝીંકી દીધો હતો.
પથ્થર વડે થયેલા હુમલામાં ભુપેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને શખ્સો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભુપેન્દ્રને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તા. ૧૯ ઓગસ્ટના રોજ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા હોવાથી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે સારવાર દરમિયાન ભુપેન્દ્રનું મૃત્યુ નીપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.
ભુપેન્દ્રના મોત બાદ રેલવે પોલીસે તપાસનો દોર તેજ કરી ટેકિન્કલ સોર્સ તથા ખાનગી બાતમીના આધારે હુમલામાં સંડોવાયેલા સલાઉદીન માંજોઠી અને અક્રમ માંજોઠીને ઝડપી લીધા હતા. બંને આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ હુમલામાં બંને આરોપીઓની ચોક્કસ ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

