Somnath તા.14
ભગવાન શિવજીના પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવભકતોમાં આરાધના કરવાનો અનેરો ધર્મોત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ (દ્વારકા) જડેશ્વર મહાદેવ (વાંકાનેર), ઘેલા સોમનાથ (જસદણ), ગૌતમેશ્વર મહાદેવ (સિહોર), ગોપનાથ મહાદેવ (ભાવનગર) સહિતના પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં શ્રધ્ધા અને ભકિતનો સાગર ઘુઘવતો જોવા મળી રહ્યો છે.
ઠેર ઠેર અભિષેક, પૂજન-અર્ચન, શિવ મહિમ્ન સ્તોત્રની ગુંજ, મહાઆરતી, પ્રસાદ-મહામૃત્યુંજયના જાપ સહિતના અનુષ્ઠાનોમાં ભકતો ગરકાવ થયા છે. રાજકોટમાં રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ સહિતના જાણીતા અને પ્રાચીન શિવાલયોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે.
સોમનાથ
શ્રાવણના પ્રથમ દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે.
પણ આજે વિશેષ શૃંગારમાં પીળા પુષ્પો જ કેમ?
કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે.
પીળો રંગ એ સૂર્યનો, જ્ઞાનનો, વિવેકનો અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રતિક છે. શિવ ભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનું સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે.
કેહવાય છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવને પુષ્પ અર્પિત કરે છે, તે મહાદેવ માટે કિંમતી રત્નોથી પણ ઊંચો ગણાય છે અને તેને અનેક રત્નોના દાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
પીળા પુષ્પોથી શિવની પૂજા કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. આ અદ્ભુત શૃંગારથી સોમનાથજીનું ગર્ભગૃહ જાણે સૂર્યપ્રભા સમાન પ્રકાશમય બની ઊઠ્યું હતું.
શ્રી સોમનાથ મહાદેવના આ અનન્ય શૃંગારથી આપણને એ સંદેશ મળે છે કે શિવ માત્ર સંહાર ના પ્રતિક નથી, પરંતુ તેઓ સૃષ્ટિ, જીવન અને ચેતનાના આધાર છે. મહાદેવ અર્પણમાં ભાવનાને મહત્વ આપે છે અને જ્યારે ભાવના શુદ્ધ હોય, ત્યારે એક પીળું પુષ્પ પણ સમગ્ર બ્રહ્માંડ જેટલું મૂલ્યવાન બની મહાદેવને પ્રસન્ન કરી શકે છે.
આજે અંદાજિત 200 કિલો થી વધુ પીળા પુષ્પોથી ભગવાન સોમનાથ મહાદેવને આ સુંદર શૃંગાર પુજારી શ્રીઓ દ્વારા કરવામાં આવેલો.
મહામૃત્યુંજય યજ્ઞ
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ ‘સ્વાભિમાન પર્વ’ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા મહામૃત્યુંજય યજ્ઞના આયોજનનો લાભ ભક્તોએ આધ્યાત્મિક માહોલમાં લીધો હતો.
જેમાં સવારથી બપોર સુધીના ચાર સ્લોટમાં ઘણા પરિવારોએ ભગવાન સોમનાથના સાંનિધ્યમાં યજ્ઞનારાયણને મહામૃત્યુંજય મંત્ર સાથે આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
સોમનાથમાં આવનારા તમામ ભક્તો યજ્ઞ કરીને જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં અનંત ઊર્જાનું ફળ પ્રાપ્ત કરી શકે, તેવા શુભાશય સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર તેમજ રૂબરૂ નોંધણી કરાવીને આ યજ્ઞમાં યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.
માણાવદર
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ માણાવદર તાલુકામાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. આ પવિત્ર માસ નિમિત્તે માણાવદરના સુપ્રસિદ્ધ બે પોઠીયા વાળા ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થે શિવભક્તો, બહેનો અને બાળકોની ભીડ જોવા મળી રહી છે.
હર હર મહાદેવ અને બોમ ભોલેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે.
શ્રાવણ માસના દર સોમવારે ત્ર્યંબકેશ્વર ધામ ખાતે ભક્તોનું મોટું ઘોડાપૂર ઉમટે છે અને અહીં સ્વયંભૂ મેળા જેવો ભક્તિમય માહોલ સર્જાય છે. આ મંદિરની એક અનોખી અને વિશિષ્ટ ઓળખ એ પણ છે કે તે ‘બે પોઠીયાવાળું’ સુપ્રસિદ્ધ ધામ છે, જે સામાન્ય રીતે અન્ય મંદિરોમાં દુર્લભ જોવા મળે છે.
માણાવદર ત્રંબકેશર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મનીષભાઈ ખખ્ખર જણાવ્યું હતું કે, આ સુપ્રસિદ્ધ ત્ર્યંબકેશર મહાદેવ મંદિરમાં પવિત્ર સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, જે ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર પરિસરમાં શિવજી ઉપરાંત માં અંબાજી, હનુમાનજી મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનના સુંદર મંદિરો પણ આવેલા છે. આ સિવાય માણાવદર તાલુકાના લોકહૃદયમાં સ્થાન પામેલા પરમ પૂજ્ય રઘુવીરદાસજી બાપુની વિશાળ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે મંદિર ટ્રસ્ટ તરફથી સમગ્ર માણાવદર તાલુકાની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ક્ષેત્રમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા મહાદેવજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

