મકર સંક્રાંતિ પછી હિન્દુઓમાં લગ્નની ઋતુ શરૂ થાય છે, અને એમ અત્યારે લગ્નની ઋતુ ચાલે છે. પણ લગ્ન ગમે ત્યારે થાય ,જન્માક્ષર મેળવ્યાં હોય! સારા એવાં ગુણ મળતાં હોય, ચંદ્ર સારો હોય, નાડી દોષ ન્હોય, અને મંગળનો દોષ ન્હોય, છતાં આપણને જાણવાં મળે કે ખબર મળે કે, પેલા હરિન્દ્ર ભાઈની દીકરીનાં લગ્ન તૂટી ગયાં, અને સાંભળ્યું છે કે, સાસરી વાળા એ છૂટાછેડા માટે કોર્ટમાં કેસ કર્યો છે! સાંભળનાર વ્યક્તિ ઓહ લે! મને તો ખબર જ નહીં! એમ કહેશે. પછી એ બીજાને કહેશે, પણ થોડો મરી મસાલો ભેળવીને, અને આમ આખી જ્ઞાતિ કે સમાજને ખબર પડી જશે! પણ સચ્ચાઈની નહીં! એટલે લગ્નને નિભાવવા માટે બંને પક્ષે સચ્ચાઈ અને વિશ્વાસની જરૂર હોય છે, અને તૂટે ત્યારે પણ આપણે આ સંબંધ નિભાવી શક્યા નથી, એનું સાચું કારણ સમાજ સામે આવવું જોઈએ! એમાં પણ વકીલ પાસે જાવ તો એ પોતાનો પક્ષ મજબૂત થાય એટલે કેવું કેવું બોલાવે! જેમાં રતીભાર સચ્ચાઈ હોય નહીં. તો લગ્ન નામના કમિટમેન્ટ માટે પાયામાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે, અને આપણી આજની બોધકથાનો બોધ પણ એ અંતર્ગત જ છે.
નવીન ભાઈ પાણી પીવા ઉઠ્યાં, તો એણે જોયું કે સામેના બંગલામાં હજી લાઈટો ચાલુ છે.એણે એની પત્ની નલિનીને જગાડીને કહ્યું કે સાધના બેન અને સંદીપ ભાઈનાં ઘરે બે વાગ્યે પણ લાઈટ ચાલુ છે! નલિની બેને કહ્યું કે એમનાં દિકરા સત્યનાં લગ્ન છે, તે હશે કંઈક એટલે ફેમિલી ડિસક્શન ચાલતું હશે. એમણે કહ્યું પણ અવાજનો ટોન જુદો છે, એટલે કે હરખ નથી વર્તાતો, પણ લડાઈ જેમ ચર્ચા ચાલે છે. નલિની બેને કહ્યું હશે જે હોય તે! એ એનાં ઘરનો પ્રશ્ન છે! સૂઈ જાવ તમે.
વાત જાણે એમ હતી કે સત્ય છેલ્લા સાત વર્ષથી અમેરિકામાં જોબ કરતો હતો! અને હવે લગ્ન કરીએ તો વાંધો આવે એમ નથી! એમ નક્કી થતાં એ લગ્ન માટે ઈન્ડિયા આવ્યો હતો, કારણ કે એને માત્ર રુપાળી નહીં,પણ ભણતર અને સંસ્કારમાં પણ અવ્વલ એવી યુવતીની તલાશ હતી, જે એને આ વિદેશી કલ્ચરમાં મળે નહીં. પોતાના પપ્પાનાં મિત્ર વિવેકની બહેન અનસૂયા બેનની દિકરી તુલસી પર એણે લગ્નનો કળશ ઢોળ્યો હતો. તુલસી પોતે ડબલ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતી હતી, અને દેખાવે અત્યંત સુંદર હતી, એમ કહો કે એને અડીએ તો પણ ડાઘ પડી જાય! અને આમ પણ પૂર્ણ સંસ્કારી અને પવિત્ર એવી તુલસી પરિવારનાં બધાને ગમી ગઈ.
લગ્નને બે ત્રણ દિવસ પહેલા કુરિયર એમ કરીને એક સાવ અજાણ્યો માણસ આવીને એક કવર આપી ગયો! જેમાં તુલસી વિશે ગમે તેવી વાત લખી હતી, અને પુરાવા રુપે ફોટા પણ હતાં! જેમાં એ અન્ય યુવક સાથે પ્રેમાતૂર હતી.
એ ફોટામાં ની યુવતીનાં કપડા અને અશ્લીલ હરકતો, જોઈને સત્યનાં મમ્મી પપ્પા અને ભાઈ ભાભીએ આ લગ્ન પર વિરોધ દર્શાવ્યો! પણ સત્યએ કહ્યું કે એક વાર એ તુલસી સાથે વાત કરશે પછી નિર્ણય કરશે! અને એને કહશે કે હું આ પત્ર અને ફોટાની સચ્ચાઈ જાણવા માંગુ છું. પરિવાર જનોને એમ હતું કે સત્ય તુલસીનાં રુપની મોહજાળમાં ફસાઈને ક્યાંક ખોટો નિર્ણય કરી બેસશે! એટલે એ તુલસી સાથે હવે કોઈ વાત નથી કરવી, એમ કહેતાં હતાં પણ સત્ય એ કહ્યું કે લગ્ન કરવા એ અમારા બેયનો નિર્ણય હતો અને હવે લગ્ન નથી કરવાં, એવો નિર્ણય હું એકલો લઈ ન શકું! કમ સે કમ એને લગ્ન નથી કરવાં, એનાં કારણની જાણ હોવી જરૂરી છે.
સત્ય અને તુલસી બંને મળે છે, તુલસી અત્યંત ઉત્કંઠાથી સત્યને કહે છે કે હવે તો બે જ દિવસની વાર છે, પછી આપણે.. સત્ય નીચું જોઈ જાય છે! તુલસી પુછે છે શું થયું? નથી કરવા લગ્ન? કોઈ ગોરી… સત્ય એને બોલતા અટકાવી અને પેલું કવર આગળ કરે છે. તુલસી કવર ખોલે છે, અને એનાં ચહેરાંની એકપણ રેખા તંગ નથી થતી! એ સત્યને કહે છે, કે તે આની પર વિશ્વાસ કરી લીધો! સત્ય એ કહ્યું ના, પણ જણાવવા જેવું કંઈ હોય તો તું મને સચ્ચાઈથી વાકેફ કરી શકે! બિલકૂલ નિર્ભય થઈને એટલે આવ્યો છું.
તુલસીએ કહ્યું કે આ ફોટામાં એક સચ્ચાઈ છે, અને એ છે કે આ યુવકને હું ઓળખું છું, અને એ મારો ક્લાસ મેટ જેસર છે, અને અમે કોલેજ પિકનિકમાં સાથે મુંબઈ ગયાં હતાં, અને ત્યારે મેં આ થોડા મોર્ડન કપડાં પણ પહેર્યા હતાં, બસ બાકી બધું ખોટું છે, અને મારી સચ્ચાઈનો બીજો મારી પાસે પૂરાવો પણ નથી, હવે તારે માનવું હોય તો તું… એનો અવાજ અને આંખો બંને થોડા નમ થયાં, પણ બીજી જ ક્ષણે એણે પોતાની જાતને સંભાળી લીધી, અને ઉભી થતાં બોલી, સત્ય તારું ખાલી નામ જ સત્ય છે, જ્યારે મારું નામ તુલસી છે, અને એ કાયમ પવિત્રતા માટેનું ઉત્તમ ઉદાહરણ છે, એ વાત તું યાદ રાખજે, તારો જે કોઈ નિર્ણય હોય તે, પણ હું આનાથી વધુ કોઈ સાબિતી આપી શકીશ નહીં! અને મારે આપવી પણ ન જોઈએ, કારણ કે એમ તો આપણી આ દસમી મુલાકાત છે! માણસને ઓળખવામાં એક મુલાકાત પણ કાફી છે! તારો નિર્ણય તું પરિવાર સાથે ઘરે આવીને જણાવી જજે, આમ કહી તુલસી ત્વરાથી ઉભી થઈ અને ચાલી ગઈ..
લગ્નની પ્રથમ રાત્રે સત્ય અને તુલસી બંને પોતાનાં બેડ પર બેઠા હતાં, તુલસી એ સત્યને કહ્યું કે થેન્કસ સત્ય મારી પર ટ્રસ્ટ કરવાં માટે! સત્ય એ કહ્યું એમાં થેન્કસ કહેવાની કોઈ જરૂર નથી, મને તારી આંખમાં પૂર્ણ પવિત્રતા દેખાતી હતી. તુલસી ઉભી થઈને પોતાના પર્સ માંથી એક કવર લાવીને સત્યનાં હાથમાં મુક્યું! સત્ય એ કહ્યું કે તુલસી મેં કહ્યું ને કે હું હવે કંઈ જ જોવા નથી માંગતો! તુલસીએ કહ્યું મારી ખાતર લાસ્ટ! ના ના કરતાં કરતાં સત્ય એ કવર ખોલ્યું, કવરમાં સત્ય અને એની ઓફિસ મેટ સર્વિના જાપા સાથેનાં અશ્લીલ ફોટા અને વીડિયો હતાં તેમજ પત્રમાં બંને રિલેશનશીપમાં રહે છે, એવું પણ લખ્યું હતું. સત્ય એ બેબાકળી નજરે તુલસી સામે જોયું તુલસીએ સત્યનો હાથ પકડીને કહ્યું કે રિલેક્સ, મને આ કવર આપણા લગ્નના ચાર દિવસ પહેલાં મળ્યું, પણ મને મારા સત્ય પર પૂરો ભરોસો હતો, એટલે મેં એને વિશે કંઈ જ પૂછ્યું નહીં! ઈન્ફેક્ટ મેં મારા ફેમિલીને પણ કહ્યું નથી! સત્ય એ પોતાના કાન પકડ્યાં અને કહ્યું તારી વાત સાચી છે, મારે પણ આવું જ કરવું જોઈતું હતું! તુલસીએ એનાં મોઢાં પર હાથ મુકીને કહ્યું કે તો શું રાત આમ જ સોરી કહેવામાં કાઢવી છે કે પછી…. અને સત્ય એ તુલસીને પોતાની બાહોમાં સમાવી લીધી..
તો મિત્રો આ એ આઈ જેવી ટેકનોલોજી નો યુગ છે, એમાં શુભચિંતક કરતાં વિરોધી વધારે હોય માટે બહુ સાવધાન રહેવું અને લગ્ન માટે બીજું કંઈ જ મેળવ્યું ન્હોય તો પણ લગ્ન ટકી શકે! પરંતુ જીવનસાથી પ્રત્યે વિશ્વાસ જરૂરી છે. જ્યોતિષ વિદ્યાને આધારે આપણે ત્યાં હસ્ત રેખા અને જન્મ સમયનાં ગ્રહનાં સ્થાન પરથી ગ્રહ મેળવવાની પરંપરા બહુ જૂની છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, એટલે અમુક લોકો વૈજ્ઞાનિક રીતે પણ ટેસ્ટ કરાવે છે, પરંતુ સૌથી મહત્વનું તો પાયામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ, અને એજ ઉમા મહેશની જેવાં ઉત્તમ દામ્પત્ય તરફ દોરે છે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

