Washington,તા.06
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે 100માં દિવસની નજીક પહોચવાની તૈયારીમાં છે. તે સમયે ફરી અમેરિકાએ જાહેર કર્યુ છે કે ઈરાન એલપીજી વેચાણ દાણચોરીથી કરી રહ્યું છે તથા છુપા શેડો-બેન્કીંગ સીસ્ટમથી નાણાકીય વ્યવહાર કરી રહ્યું છે.
અન્ય દેશોના ધ્વજવાળા દેશો મારફત ક્રુડતેલ-ગેસનું વેચાણ કરે છે તેથી ઈરાન સામેની આ પ્રકારની આર્થિક તથા વ્યાપારી નેટવર્ક સામે અમેરિકાની કાર્યવાહી ચાલુ જ રહેશે.
અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે, હોર્મુજ જળમાર્ગમાં તેણે ઈરાનના ચાર ડ્રોન તોડી પાડયા છે તો બીજી તરફ ઈરાની હોર્મુઝ ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની શંકાસ્પદ હાલચાલ સામે અબ્બાસના દરિયાકાંઠાથી દુર આ પ્રકારે આગળ વધતા જહાજો પર ફાયરીંગ કરીને તેને અટકી જવા મજબુર કર્યા છે. અમેરિકાએ આ ઉપરાંત ગોરૂક અને કેશમ ટાપુઓ પર પણ ઈરાનના મિસાઈલ મથકો પર હુમલા કર્યા હતા.
આ પુર્વે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતામાં નથી તેથી મિસાઈલ તાકાત પણ ખત્મ થઈ છે અને માંડ 21-22% જ મિસાઈલ બચ્યા છે અને અગાઉની સરખામણીમાં બહું નાનો હીસ્સો છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતા પુરી રીતે ખત્મ થઈ છે. ઈરાન સામે હાલ મિસાઈલ છે પણ તે 21-22% જ છે. જો કે ન્યુયોર્ક ટાઈમ્સના દાવા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ઈરાને તેના 30 મિસાઈલ મથકોને ફરીથી સક્રીય કરી દીધા છે. આ માહિતી અમેરિકી ગુપ્તચર વિભાગે આપી હતી.
બીજી તરફ ઈઝરાયેલ અને હીઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામને હીઝબુલ્લાએ ફગાવી દીધુ છે અને જાહેર કર્યુ છે કે જયાં સુધી હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે ખોલવા અને યુદ્ધવિરામમાં સમજુતી થશે નહી ત્યાં સુધી ઈઝરાયેલ પરના હુમલા અટકશે નહી.
ઈરાને ગલ્ફના ક્ષેત્રને પણ નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યુ છે. કુવૈતમાં અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બેલેસ્ટીક મિસાઈલ હુમલા કર્યા હતા તથા બહેરીનને પણ નિશાન બનાવ્યુ હતું. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ છે કે ઈરાનની છ મિસાઈલો જે કુવૈત ભણી દાગવામાં આવી હતી તે તોડી પડાઈ છે.
જો કે ઈરાને દાવો કર્યો છે કે બહેરીનમાં તેણે અમેરિકાના પાંચમા નૌકાકાફલાને નિશાન બનાવ્યુ છે. ઈરાનના બે શહેરો પરના હુમલાનો જવાબ અપાયો છે. અમેરિકામાં ઈરાનની રડાર સીસ્ટમ પર પણ હુમલો કર્યાનો દાવો કરતા જણાવ્યું હતું કે કોઈ વળતો જવાબ મળ્યો નથી.

