હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આવતી કાલે 14 ફેબ્રુઆરી, ભારત માટે આ તારીખ એક ગોઝારી ઘટનાની યાદ અપાવી જાય છે. 2019 માં પુલાવામા સીઆરપીએફ નાં 40 જવાનોનાં બલિદાનનો દિવસ એટલે ઘાતક બ્લેક ડે! તો એ ભારત માતાનાં શૂરવીર શહીદોને શ્રદ્ધાંજલિ. પરંતુ વિશ્વ માટે આ દિવસ વેલેન્ટાઈન ડે, એટલે કે પ્રેમનાં ઈઝહારનો દિવસ! હું તને પ્રેમ કરું છું, અથવા આઈ લવ યુ! કહેવાનો દિવસ. યુવાન હોય, વયસ્ક હોય, લગભગ બધાને આ શબ્દ સાભળવો ગમે છે, પણ પૂરી રીતે પ્રેમનાં ભાવને કોઈ સમજતું નથી! પ્રેમ કોઈ રમત નથી, પ્રેમ કરનારે ત્યાગ, સમર્પણ, બલિદાન, એવાં ઉંચા સંસ્કાર નિભાવવાની તૈયારી રાખવી પડે! પણ છીછરા પાણીમાં છબછબિયાં કરનારા માટે પ્રેમ એ માત્ર એક રોમાંચિત કરનારી ફેન્ટસીથી વધુ કંઈ નથી! અને એટલે જ આ દિવસે પોતાનાં પ્રેમીને પ્રપોઝ કર્યું હોય, પ્રેમનો ઈઝહાર કર્યો હોય, મોંઘી મોંઘી ગિફ્ટ આપી હોય, અને ન જાણે બીજાં પણ કેટલાંય સરપ્રાઈઝ આપ્યાં હોય! અને કદાચ એવે સમયે એવું થોડુંક લાગ્યું પણ હોય! પણ પ્રેમ કે લવ નું કમિટમેન્ટ બહુ લાંબુ ચાલતું નથી, છ મહિના કે વર્ષ, બે વર્ષમાં આ રિલેશન તૂટી જાય છે. વર્તમાન સમય જ એવો છે કે, ઘણું બધું જાણવાં છતાં એને સાવ બદલી શકાય એમ નથી, યુગ પરિવર્તનનાં નામે થોડી થોડી છૂટ આપવી પડે! જોકે ન આપીએ તો મેળે લઈ લેશે. પણ મૂળ વાત એ છે કે પ્રેમ નામનાં જબરદસ્ત અનુબંધથી આ સંબંધ બંધાયો હોવા છતાં, એમાં એ મૂળ તત્વની અનૂભૂતિ કાયમ કેમ રહેતી નથી?
સમયનો આ દૌર એટલે કે જ્યારે આપણાં દેશમાંથી પણ સંયુક્ત કુટુંબની પ્રથા લુપ્ત થતી જાય છે, ત્યારે આપણે વસુધૈવ કુટુંબનું આહવાન કર્યુ છે, એટલે વિશ્વની બધી સંસ્કૃતિને એનાં ગુણ દોષ સાથે સ્વીકારવાની તૈયારી રાખવી પડે! અને એમાં પણ પ્રેમ નામની સંજીવનીને પોષણ આપવા માટે, તેમજ નવી પેઢીને આપણી સંસ્કૃતિથી દૂર જતાં રોકવા માટે પણ જરૂરી છે! અને આમ પણ પ્રેમ કોઈ પણ સંસ્કૃતિનો હોય એ સ્વીકાર્ય જ હોય! પણ એમાં પ્રપંચ ન હોવો જોઈએ, માત્ર શારીરિક આકર્ષણનું નામ પ્રેમ નથી, પણ પરમાત્માનાં શુદ્ધ સ્વરૂપનું નામ પ્રેમ છે! એટલે જ રામ હી પ્રેમ પિયારા અને શ્રીકૃષ્ણ ને પ્રેમ અવતાર કહેવામાં આવે છે. બાળકનો માતા પિતા અને ભાઈ બહેન કે પરિવાર પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હોય છે, પરંતુ એ પણ મહત્વનો જ છે, પણ યુવક યુવતીની વચ્ચે પાંગરતા પ્રેમની શરૂઆત વિજાતીય આકર્ષણથી જ થાય છે. જે સંબંધ માત્ર શરીરનાં રુપ રંગની ભૂમિકાએ શરૂ થયો હોય, એ બહુ લાંબો સમય ટકતો નથી, કારણ કે રુપ શાશ્વત નથી, એટલે બંને પક્ષે ગુણ એટલે કે સંસ્કાર હોવા જરૂરી છે. ત્યાગ સમર્પણ અને બલિદાન જેવા ઉચ્ચ સંસ્કાર જ કર્તવ્ય કર્મનું દાયિત્વ નિભાવી સુંદર અને સ્વસ્થ પરિવારનું નિર્માણ અને નિર્વાહ કરી શકે છે.
આજની પેઢી વેલેન્ટાઈન ડે ને વધુ રોમાંચિત અને આલ્હાદક બનાવવા માટે 7 ફેબ્રુઆરીથી આ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. પ્રથમ રોઝ ડે, પછી પ્રપોઝ ડે, ચોકલેટ ડે, પ્રોમીસ ડે, ટેડી ડે, હગ્ક ડે, કીસ ડે, અને વેલેન્ટાઇન ડે. એમ આ આખું વીક ઉજવાય છે, ક્રમમાં કદાચ આઘું પાછું હોય શકે. પરંતુ મૂળ વાત એ છે કે આ આઠ દિવસ વિશ્વ ભરનાં યુવાનો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને એથી પણ વધુ કીમતી સમયનો દુર ઉપયોગ કરે છે, અને એ પણ ઉંમર પહેલાં, જે યોગ્ય નથી! આજકાલ હવે બ્રેકઅપ થવું એ બહુ સામાન્ય વાત છે, પરંતુ બહુ સહજતાથી સમાજ ભૂલી જાય છે, એટલી સહજતાથી યુવક યુવતીઓ આ સંબંધને ભુલાવી શકતા નથી, અને એને કારણે કહેવા ખાતર તો મુવ ઓન કર્યું, એવું બોલી દે છે. પણ હકીકતમાં લાગણીઓનાં તાણાવાણા એટલી ઝડપથી તૂટી શકતા નથી, કે ભૂલાવી શકાતાં નથી, અને ત્યાંથી શરૂ થાય છે માનસિક રોગ. જેને કારણે યુવાનો માર્ગ ભૂલી શકે, અને વ્યસનનાં રવાડે પણ ચડી શકે, જે ખતરો છે. અન્ય લોકો આ તહેવારનો શું કામ વિરોધ કરી રહ્યાં છે? કે સંસ્કૃતિનાં નારા લગાવી રહ્યાં છે, તેની ખબર નથી. પરંતુ મૂળ એટલે કે ઉંડાણમાં જઈએ તો જ સમજાય, કે આપણે જે બધું કરી રહ્યાં છીએ, એ જો માત્ર પ્રપંચ હોય, એટલે કે બે પાંચ દિવસનો ભાવ હોય તો, એ માટે થઈને આવું બધું કરવું એ કોઈ સંજોગોમાં યોગ્ય નથી.
ચિંતનનાં માધ્યમથી વેલેન્ટાઇન ની આ વાત કહેવાનું કારણ એટલું જ છે, કે ચિંતનનો લેખ દેશ વિદેશ સુધી પહોંચ્યો છે, અને ત્યાં રહેતાં યુવક યુવતીઓ મૂળ તથ્ય સુધી પહોંચી શકે. કારણકે ચિંતનના ચાહકોમાં યુવાવર્ગનો પણ બહુ મોટો ફાળો છે. સૌ કોઈ આજે સંબંધો ઇચ્છે છે, અને લાગણી વગર તો કોણ રહી શકે! એટલે આજે સૌને પોતાના સંબંધો મજબૂત બનાવવાં છે, અને એની માટે ચિંતનનો નિત્ય પ્રસાદ હવે ભાવી રહ્યો છે. પૂરેપૂરી ખાતરી હોય કે ના આ સબંધ બંને પક્ષેથી નિભાવી શકાય તેમ છે, અને કોઈ વિશ્વાસઘાત કે દગા ની આમાં જરા સરખી પણ શક્યતા નથી, તો ભલે એ પોતાની ભાવના આ રીતે વ્યક્ત કરે, એમાં આપણને કોઈ જ વાંધો નથી, અને હોવો પણ ન જોઈએ, કારણ કે હિંદુ સંસ્કૃતિમાં પ્રેમનું બહુ ઊંચું સ્થાન છે! આજે પણ પ્રેમીઓ રાધા કૃષ્ણનાં અમર પ્રેમની દુહાઈ આપે છે! પણ એમનાં જીવનની અંદર ડોકિયું કરીએ તો ખબર પડે કે ત્યાગ બલિદાનની આખી દાસ્તાન… આજે પણ આંખ ભીંજવી દે! અને એટલે જ પ્રેમને નામે નાદાન ઉંમરમાં આખાં જીવનનો ફેસલો કરવો, એ જરા પણ યોગ્ય નથી. ઉંમરને પરિપક્વ થવા દેવી, સંબંધને પરિપક્વ થવા દેવો, પછી આવાં તહેવારો ઉજવવાં, એટલું તો જરૂર કહી શકાય ને! ગમે તે સંસ્કૃતિ હોય પણ પ્રેમને નામે બલિદાન દેવા વાળા અને ફાંસીએ ચઢવા વાળા શહીદ વંદનીય જ હોય, અને આપણે આજે એ 40 શહીદ થયેલા જવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું,એક એક દીપ પ્રગટાવીશુ, અને આપણાં સૌના હૃદયમાં પણ એમની જેવો નિઃસ્વાર્થ પ્રેમ વધે અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યેનું માન વધે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

