માનસ સુંદરકાંડનાં ચોથા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, સુંદરકાંડની બે મુખ્ય ઘટનામાં એક સિંહિકા વાળી ઘટના, કે જેમાં હનુમાનજી અતિ વિરાટ રૂપ લઈ જળ ઉપરથી ઉડાન ભરી રહ્યા છે, ત્યારે છાયા પકડાઈ ગઈ, અને હનુમાનજીને પાડવાની કોશિશ કરી. લંકામાં પ્રવેશ કરવા માટે હનુમાનજીએ અતિ લઘુરૂપ ધારણ કર્યું, અને છતાં પકડી પાડ્યાં! આનો અર્થ શું કરીશું! આપણે જ્યારે મોટા થઈએ છીએ, ત્યારે દુનિયા આપણને પાડવાની કોશિશ કરે છે, અને નાના થઈ જઈએ, તો દુનિયા ખાઈ જવાની કોશિશ કરે, માટે વચ્ચેનો રસ્તો કાઢો.
ફરી પાછા સુંદરકાંડનો દોર પકડતાં કહ્યું કે હનુમાનજીએ લંકામાં પ્રવેશ કરવાં અતિ લઘુરૂપ ધારણ કર્યું, છતાં એને રોકી લીધાં કે મારો અનાદર કરીને તું ક્યાં જાય છે! ખબરદાર તું ગમે એટલો નાનો થઈશ, તો પણ હું તને ખાઈ જઈશ, હું ચોરને જ ખાવું છું! હનુમાનજીએ બીજું કંઈ ન કર્યું, પણ જેવા હનુમાનજીને રોક્યાં ત્યાં જ, “મુઠિકા એક મહા કપિ હની”. આ પણ સત્સંગની એક પ્રક્રિયા સમજો, મસ્તક પર મુકો મારવો. પીઠ પર મૂકો મારવાથી કોઈ પરિણામ મળતું નથી, એટલે આ કોઈ સ્થૂળ રુપે મારવાની વાત નથી. જરાં લંકાકાંડ તરફ નજર કરીએ હનુમાનજીએ રાવણની પીઠ પર મુકો માર્યો હતો.
રાવણની પીઠ પર મુકો માર્યો, રાવણ પડી ગયો અને પછી ઉઠ્યો! અને હનુમાનજીના બળની સરાહના કરવા લાગ્યો! બીજું કોઈ હોત તો રાજી થાત, પણ હનુમાનજી રાજી ન થયા, મારા મનને ધિક્કાર છે! મેં તો એટલાં માટે મુકો માર્યો હતો, કે તું બદલી જાય, પરંતુ તું તો હતો એવો ને એવો ઉભો થયો! મૂઢ હોય એનામાં કોઈ પરિવર્તન આવે નહીં. જ્યારે લંકિનીને મસ્તક પર મુકો માર્યો, મસ્તકમાં બુદ્ધિ રહે છે, જે જૂની પરંપરાથી જડ બનતી જાય છે, એટલે હનુમાનજીનો સત્સંગ એ જૂની પરંપરાને તોડી નાખે છે! પરંપરા જડ ન હોવી જોઈએ, પ્રવાહી હોવી જોઈએ. લંકિની વિચારે છે કે હું રાવણનું અન્ન ખાઈ રહી છું, તો લંકામાં જે ચોર પ્રવેશ કરે, એ ચોરને પકડવા એ મારું કર્તવ્ય છે, એ ખોટી ધારણા છે. હનુમાનજી કહે છે કે, જો તારો ખોરાક જ ચોર છે, તો સૌથી મોટો ચોર લંકામાં છે. ખાવાની શરૂઆત ત્યાંથી કર, જે મારી મા જાનકીને ચોરી લાવ્યો છે. તો તું સેવા કરે છે, મોટા ચોરની તુ સેવિકા છે. પરંતુ તારી ધારણા છે કે, તે એનું અન્ન ખાધું છે, એની તુ સેવિકા છે, એણે સારી પોસ્ટ પર નિયુક્ત કરી છે, એટલે તારું કર્તવ્ય છે, કે ડ્યુટી નિભાવવી જોઈએ! આપણો ધર્મ પણ એ જ કહે છે, પૂર્વજોએ એવું કહ્યું, પરંતુ એમાં સુધારો થવો જોઈએ, વિવેક પૂર્વક ખોટી વસ્તુને હટાવવી જોઈએ. હનુમાનજીએ પણ લંકાના ફળ ખાઈને લંકાના રાક્ષસોને જ માર્યા હતા. અમુક સૂત્રો વિવેક દ્રષ્ટિથી સુધારવા જોઈએ.
હનુમાનજી અને લંકિની વાળી આ ઘટનામાંથી ત્રણ બોધ પ્રાપ્ત થાય છે. હનુમાનજી એ લંકિનીનાં મસ્તક પર પ્રહાર કર્યો, અને એની ખોટી પરંપરાઓ તૂટી ગઈ, બુદ્ધિ બદલાઈ ગઈ, એનાં મુખમાંથી રક્ત નીકળ્યું! એટલે કે લંકિની માં વિરક્તિ પ્રગટી. સત્સંગના પ્રભાવ નો પ્રતાપ છે કે, કથા સાંભળતાં આપણા રાગ ઓછા થાય ઈર્ષા ઓછી થાય, ભગવાનની કથા સાંભળતાં ભગવત સત્સંગ કરતાં કરતાં આસક્તિ અને રાગાત્મક ભાવ થોડો ઓછો થાય, એની કોશિશ કરવી પડે, પરંતુ અમૃત પીધા પછી, બીજા લાગવા માંડે, એમ લંકિનીનાં મુખમાંથી રક્ત નીકળી ગયું, અને વિરક્તિ તરફ પ્રયાણ થયું. હનુમાનજીએ મસ્તક પર પ્રહાર કર્યો ત્યારે લંકિની પડી ગઈ હતી, પરંતુ” પુનિ સંભાનિ ઉઠી સો લંકા” સત્સંગ પાડે છે પરંતુ સત્સંગ કર્યા પછી પડ્યા ન રહેવું, સત્સંગના સૂત્રોને સમજીને સાંભળીને પાછા ઉઠી જવું!
બૌદ્ધિક ધારણાનો નાશ, આસક્તિ અને રાગ ધીરે ધીરે ઓછા થાય, અને સત્સંગ કરનારા કર્તવ્ય છોડી દે નહીં, ઉઠીને પોતાનાં ધ્યેય તરફ ગતિ કરે. લંકિની કે જે હનુમાનજીને ચોર કહેતી હતી, એ જ પછી હાથ જોડવા લાગી, એટલે કે સત્સંગ કરાવનાર સંત પ્રત્યે અહોભાવ કે ઉપકારના ભાવથી નમવું.
તાત મોર અતિ પુન્ય બહૂતા,
દેખેઉં નયન રામ કર દૂત.
આ ચોપાઈમાં તુલસી નયનની બદલે આંખ પણ લખી શક્યા હોત, પણ નયન શબ્દ બહુ સુંદર છે કારણ કે એને આ બાજુથી વાંચો તો પણ નયન વંચાય અને આ બાજુથી વાંચો તો પણ નયન જ વંચાય. પહેલા લંકિની આંખેથી જોતી હતી માટે એને એક આંખેથી હનુમાનજી ચોર લાગ્યા પણ, બીજી આંખેથી સંત અને ત્રીજી આંખેથી વિચિત્ર લાગ્યાં. પરંતુ બુદ્ધિ બદલાઈ ગઈ, એટલે હવે જે બાજુથી જોવે, ત્યાંથી એ સાધુ જ લાગે છે. એણે કહ્યું કે મારા પુણ્ય છે કે, આજે મેં મારા નેત્રોથી રામના દૂતના દર્શન કર્યા.
લંકિની હનુમાનજીને આગળના કાર્ય માટે શુભકામના આપે છે.
પ્રબિસિ નગર કીજે સબ કાજા,
હ્રદય રાખી કૌશલપુર રાજા.
લંકિની એ સુંદર શુભકામના આપી, આપ નગરમાં પ્રવેશીને બધા કામ કરો, પરંતુ હૃદયમાં કૌશલપુર રાજાને રાખીને આપ પ્રવેશ કરો. આપની માટે જેર અમૃત થઈ જશે, લંકિનીના એ આશીર્વાદ સફળ થયા! અને એટલે જ હનુમાનજી ઝેરથી બચી ગયાં અને અમૃતના ફળ ખાવા લાગ્યા.
ગરલ સુધા રિપુ કરહિ મિતાઈ,
ગોપદ સિંધુ અનલ સિતલાઈ.
દુશ્મન પહેલા મૈત્રી કરશે, લંકામાં તો બધા દુશ્મન છે. પરંતુ બધા દુશ્મનમાં વિભીષણ રાવણનો ભાઈ છે, પરંતુ હનુમાનજી સાથે એને દોસ્તી થઈ ગઈ, લંકા સુધી આવવામાં હનુમાનજીને ખૂબ વિધ્નો મળ્યાં, પરંતુ વિભીષણ સાથે મૈત્રી થતાં બિલકુલ સહજતાથી આગળની યાત્રા થઈ. લંકામાં આગ લગાવવામાં આવશે, પણ આપની માટે અગ્નિ શીતળ થઈ જશે.
લંકિનીની શુભકામના મેળવી હનુમાનજી વિચારે છે, કે લંકામાં તો નિશીચરોનો વાસ છે, અહીં સજ્જન ક્યાં છે? અને ત્યારે હનુમાનજી વિભીષણનાં આંગણામાં આવ્યા, અને વિભિષણ જાગ્યો. આપણા જીવનમાં પણ જ્યારે કોઈ સાધુ કે સંત પ્રવેશે, ત્યારે જ આપણે જાગીએ છીએ. વિભિષણ રામ રામ કરીને જાગે છે, આ સાંભળીને હનુમાનજી હર્ષિત થઈ ગયાં, અને વિચાર્યું કે સાચે જ કોઈ સજ્જન છે, આમ હનુમાનજી અને વિભીષણનું મિલન થાય છે.જે પોતાના રાક્ષસ હોવા પર સંકોચ કરે છે, અને પછી જાનકી સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. જાનકીના ત્રણ સ્વરૂપ શક્તિ, શાંતિ, અને ભક્તિ. મે ક્યારેક કહ્યું છે કે વિભિષણ ભક્તિની નવયુક્તિ બતાવે છે કે, ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી.
શાંતિ ત્રણ રીતે મળે છે(૧) અભય, જ્યાં સુધી આપણામાં અભય નથી આવતું ત્યાં સુધી આપણે શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. (૨)ત્યાગ સંગ્રહ કરનારને ક્યારેય શાંતિ નથી મળતી જેટલો વધારે પરિગ્રહ હોય એટલો જ માણસ અશાંત. (૩) અહિંસા, સીધી વાત છે જે હિંસા કરે એ શાંત નથી હોતાં, એ વિકૃત છે શાંત ક્યારેય હિંસા નથી કરતા.
ભક્તિ ત્રણ રીતે મળે. (૧) વિશ્વાસ, આપણા સાધન અને આપણા સદગુરુ પર વિશ્વાસ હોવો જોઈએ. (૨) વિભિષણ બતાવે છે કે ભગવાન શંકરનું ભજન કરવાથી ભક્તિ મળે છે. ભક્તિના દાતા ભગવાન મહાદેવ છે. ત્રીજી યુક્તિ માનસમાં લખી છે ધીરજ, વિશ્વાસ પૂર્વકનાં સ્મરણ કે સાધનાની સાથે ધીરજ પણ અત્યંત જરૂરી છે.
શક્તિની ત્રણ રીત. (૧)સ્થિરતા, જે ડામાડોળ હોય એ ક્યારેય શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. નાગાધિરાજ હિમાલય યુગોથી સ્થિર છે, અને એની સ્થિરતાને કારણે શક્તિનો જન્મ થયો. દક્ષ કન્યા રૂપે પણ એ શક્તિ સંપન્ન જ હતી પરંતુ એની બુદ્ધિ શક્તિમાં ભટકાવ હતો.(૨) મૌન, માનવી જેટલો મૌન રહેશે એટલી શક્તિ વધશે મુખર થતાં શક્તિ છીનવાઈ જાય છે.(૩) પ્રભુ મુદ્રિકા એટલે કે જેના મુખમાં રામનામ રૂપે મુદ્રિકા હશે, એ પણ શક્તિશાળી બનશે. પછી વિભિષણના માર્ગદર્શનથી હનુમાનજી અશોકવાટિકામાં પ્રવેશ કરે છે, ત્યાં સુધીની કથા કહી ચોથા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

