હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સ્માર્ટ ફોનનાં ફાયદા નુકશાન એ રીતે જોઈએ તો, એણે માનવીને સતત કોઈને કોઈ બકવાસ કરતો કરી દીધો છે, એટલે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેનાં દ્વારા એ પોતાની બેતુકી વાતોને દર્શાવી બુદ્ધિ પ્રદર્શન કરતો હોય છે. પણ આપણાં શબ્દો જ આપણી સાચી તાકાત, અને સાચાં સંસ્કાર છે, એને આ રીતે બરબાદ કરતાં પહેલાં જરાં થોભો ! કારણ કે આપણે જોયું કે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનાં શાસ્ત્રાર્થને અંતે એવું સિદ્ધ થાય છે કે, શબ્દ એ જ બ્રહ્મ છે!; અને એ રીતે જોઈએ તો જેની વાણી સરળ, સુમધુર, અને સત્ય પ્રેરક હોય એને આપણે ઈશ્વર સમકક્ષ માનવા જોઈએ. નરસિંહ એક એવી જ શબ્દ ધૂની (ધૂણો) છે, જેમાંથી નિરંતર આવાં શબ્દ બ્રહ્મ નીકળ્યાં, અને એની સામાન્ય સ્થૂળ સમજની સુવાસથી પણ કેટલીય ચેતના અમર થઈ ગઈ. ગુરુવાર આવે અને નરસિંહ પર શું લખું એવું થાય! કારણ કે અંતે તો બંદર ક્યાં જાને અદરખ કા સ્વાદ એવું જ… પણ છતા નિર્દંભ અને નિખાલસ રહીએ તો આજે પણ એ ચેતન ધૂણો આપણી માટે શબ્દ બની પ્રગટ થાય છે, આવી પણ કંઈક અદમ્ય અનૂભૂતિ પણ ખરી, તો ચાલો સાવ સરળ શબ્દ વાળી રાધા અને કૃષ્ણના પ્રેમની એક રચના.
**નરસિંહ મહેતા**
કમાડે કરતાલ વગાડે
કોણ છે માજમ રાત રે.
અસુરી વેળા ના આંગણે ઉભો,
કોણ બજાવન હાર રે.
કમાડે કરતાલ વગાડે..
કવિ અહીં શ્રીકૃષ્ણ અને રાધાનાં અમર પ્રેમની અભિવ્યક્તિ રુપે પ્રેમીઓની ટીખળને રજૂ કરે છે. એકવાર શ્રીકૃષ્ણને રાધાની યાદ સતાવે છે, અને એ રાધાને મળવાં પહોંચી જાય છે, અને કમાડ એટલે કે બારણું ખખડાવે છે. અથવા બારણે કરતાલ વગાડે છે, અને જવાબમાં રાધાજી પુછે છે, કે અસુરી વેળા એટલે આટલી મોડી રાત્રે કોણ છે?; જે મારા દ્વારે આવીને કરતાલ વગાડે છે!
હું કાનુડો મોરલી વાળો,
હે ખોલો ને રાધા કમાડ રે
મોરલીવાળા અમે વાદીને કહીએ.
નાગ ડોલાવનનાર રે.. કમાડે કરતાલ..
રાધાજીનાં જવાબમાં શ્રીકૃષ્ણ પોતાની ઓળખ આપતા કહે છે કે, હું કાનુડો મોરલી વાળો! મોરલી તો રાધા માટે શ્રીકૃષ્ણની પહેલી પહેચાન હતી, અને છતાં રાધાજી કમાડ ખોલતા નથી, અને કહે છે, મોરલી વગાડે એને અમે વાદી એટલે કે મદારી કહીએ, જે મોરલી વગાડી નાગને ડોલાવે! આ પંક્તિમાં કવિ હાટકેશનાં અંશ હોવાને લીધે શંકરનું સ્મરણ કરે છે, અને નાગ એટલે કે વિષીલી વૃત્તિને પણ જે પોતાની ઈચ્છા મુજબ ડોલાવી શકે, શું એ મદારી છો તમે!
હું કાનુડો ગાયો વાળો
એ ખોલો ને રાધા કમાડ રે
ગાયો વાળા અમે ગોવાળ ને કહીએ
ગાયો ચરાવનાર રે. કમાડે કરતાલ રે…
ફરી શ્રીકૃષ્ણ કહે છે કે, હું કાનુડો ગાયો વાળો! ગોકુળમાં ગાયો ચરાવવી એ શ્રીકૃષ્ણની બીજી ઓળખ છે, અને ગાયો લઈને એ સીમમાં જતાં ત્યાં વાંસળી વગાડતાં અને ગોપીઓ મુગ્ધ બની દોડી આવતી, એમાં એક રાધાજી પણ ખરાં! છતાં રાધાજી કહે છે કે, ગાયો ચારનારને અમે ગોવાળ કહીએ.. પણ કવિ અહીં કહેવા માંગે છે આપણી ગો રુપી ઈન્દ્રિયોને સાચી રીતે ચારીએ તો આપણે જ શ્રીકૃષ્ણ, બાકી ગોવાળ.. જેની ગાયો ગમે તેનાં અને ગમે તેવાં ચારો ચરી જાય.
હું કાનુડો ધનુષધારી,
એક ખોલો ને રાધા કમાડ રે,
ધનુષ ધારી શ્રી રામને કહીએ,
સીતાનાં ભરથાર રે.. કમાડે કરતાલ રે..
રાધાજી હજી કમાડ ખોલતા નથી, એટલે શ્રીકૃષ્ણ કહે છે કે હું કાનુડો ધનુષધારી! રાધાજી કહે છે કે, ધનુષ તો ભગવાન શ્રીરામ રાખતાં જે સીતાના ભરથાર એટલે કે પતિ છે. પહેલાંનાં સમયમાં રાજાઓ પોતાની માતૃભૂમિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાં માટે ધનુષ રાખતાં, એટલે અહીં ધનુષ એક એવું શસ્ત્ર છે, જેનાથી એણે રામ રાવણનાં યુદ્ધમાં વિજયી બન્યા, આમ રામની ખ્યાતિ અને મર્યાદા તેમજ સીતા જેવી શાંતિ શક્તિના પતિ બતાવ્યા.પણ હકીકતમાં રામ રુપી અવતારનું જો કોઈ શસ્ત્ર હોય તો એ મર્યાદા છે, જેણે અવતારની ઓળખને પૂરી કરી!
હું કાનુડો ચક્રધારી,
ખોલો ને રાધા કમાડ રે..
ચક્રધારી અમે વિષ્ણુને કહીએ,
લક્ષ્મીજીના ભરથાર રે..
રાધાજી હજી કમાડ ખોલતાં નથી એટલે શ્રીકૃષ્ણ કહે છે કે હું કાનુડો ચક્રધારી! એટલે રાધાજી વળતો જવાબ આપતા કહે છે કે ચક્રધારી અમે વિષ્ણુ ને કહીએ ! સુદર્શન ચક્ર એ વિષ્ણુની આગવી ઓળખ હતી, અને એ વામન થી વિરાટ અસ્તિત્વનો વિનાશ કરી શકે એટલું સશક્ત હતું. ભારતીય સંત સત્સંગ મુજબ સુદર્શન ચક્ર એટલે સાત્વિક અભિમાન, અને એને ત્યાં જ લક્ષ્મી રુપી એશ્વર્ય હોય.
બોલ્યાં બોલ્યાં મે’તા નરસિંહનાં સ્વામી,
ખોલ્યાં રાધા એ કમાડ રે,
ત્રણ ભુવનના નાથને જોઈ આનંદ ઉત્સવ વ્યાપ્યો રે
કમાડે કરતાલ વગાડે.
છતાં રાધાજી કમાડ ખોલતા નથી, ત્યારે કાનુડો પોતાની ઓળખાણ નરસિંહનાં સ્વામી તરીકે આપે છે, અને ત્યારે રાધાજી તરત જ કમાડ ખોલે છે, અને રાધા રુપે ભક્તિની શક્તિ ત્રણ ભુવનના નાથને જોઈ રાજી થઈ ગઈ અને આંગણે આનંદ ઉત્સવ વ્યાપી ગયો.
શ્રીકૃષ્ણ અને રાધાજીનાં સાવ સીધાસાદા સંવાદ કે જેને લોકબોલી પણ કહી શકાય! એવાં શબ્દો ટાંકીને નરસિંહ ભક્ત અને ભગવાનનો કેટલો ગહેરો સંબંધ છે, એ દર્શાવે છે. આ રચનામાં નરસિંહ રાધાજી બની અને ભગવાન સાથે ટીખળ કરે છે, અને એક એક ઉત્તમ દ્રષ્ટાંત મુકીને ભક્ત જ્યારે ભગવાનને પોકારે, ત્યારે એણે પોતે પોતાનાં કર્મ રુપી કરતાલ વગાડીને ભગવાનનું કમાડ ખખડાવવાનું છે, એમ કહે છે. પણ ભગવાન જ્યારે ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને આવે ત્યારે, ભક્તે એની કોઈ વિશેષતા તરફ ધ્યાન દેવાનું નથી, એટલે કે શંકરનું નાગ પ્રત્યેનું પ્રભુત્વ, રામનું સારંગ રુપી ધનુષ કે વિષ્ણુનું સુદર્શન નહીં, પણ તમે મારા સ્વામી છો, અને હું તમારો દાસ છું, આ સંબંધ ભક્ત અને ભગવાન વચ્ચે સૌથી મહત્વનો, અને સૌથી ઉપર રહેવો જોઈએ, એટલે કે હું જેમ મારી સમગ્ર વિશેષતા ત્યાગીને શરણાગત થઈ આવ્યો છું, એમ વિશેષતાનો પ્રભાવ નહીં, પણ ભાવનું મહત્વ સમજીને ભગવાન આવે ત્યારે જ! કારણ કે પ્રભાવ ક્યારેક ને ક્યારેક ઓછો થવાની શક્યતા રહે, અથવા પછીથી બીજા પ્રત્યે પણ પ્રભાવિત થઈ શકાય, પણ ભાવ ભવ પૂરો થાય ત્યાં સુધી બદલાતો નથી, અને એ સ્વભાવમાં વણાઈ જાય છે! એટલે જ ભક્તને પછી ભગવાનને ભજવા માટે યાદ દેવડાવવું પડતું નથી! તો આવી અન્યોન્ય ભક્તિથી આપણે પણ રંગાઈ જઈએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું, તો સૌને મારા આજના દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

