આવનારાં દિવસોમાં કોઈ વિશેષ દિવસ છે કે નહીં, એનું સર્ચ કરતી હતી, તો ભારતીયોનું અઢળક નાણું વિદેશમાં જાય છે, એમાંપણ ડ્રગ્સને કારણે કરોડો રૂપિયા યુવાનો બરબાદ કરે છે, અને પોતાનાં જીવનથી હાથ ધોઈ બેસે છે, એ જાણી દુઃખ થયુ. આપણાં દેશનો દરિયા કિનારો આશરે 7517 કિલોમીટર લાંબો છે, અને આ દરિયા કિનારેથી જ આપણાં દેશમાં ડ્રગ્સ ઘૂસે છે. ભારતનાં યુવા ધનને બરબાદ કરવાનાં ટાર્ગેટથી વિદેશો માંથી જે ડ્રગ્સ ઘૂસે છે, એ આંકડો વાંચીને આંખ પહોળી થઈ ગઈ. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં 91, 453 કિલો ડ્રગ્સ ઝડપાયું! હજી તો હાથ ન આવ્યું હોય એ જુદું! વ્યસન અને એમાં પણ ડ્રગ્સને કારણે કેટલાંય હસતાં રમતાં પરિવારો એ પોતાની જીવાદોરી ખોઈ હશે! અને એવો જ એક કિસ્સો..
મંગલ મહેલમાં રોજ સવારે સાડા છ વાગ્યે આરતી થતી, અને પ્લીઝ સ્ટોપ ગ્રાન્ડ મા…
એમ માંહિ રાડો પાડતી… અને મંગળા મા એની પર ધ્યાન દીધાં વગર “શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ… એમ ગાતાં ગાતાં પોતાનાં નિત્યક્રમમાં પરોવાઈ જતાં. આમ એક જ ઘરમાં બે સાવ અલગ અલગ વિચારધારા ધરાવતી વ્યક્તિ રહેતી હતી, જેમાં એક વીસની અને બીજી સાઈઠની! થોડીવારમાં વનીતા આવી, અને ઘર સાફ કરવાં લાગી, મંગળા મા એ કહ્યું જા આ નાસ્તો બેબીને આપી આવ! એણે ઘસીને ના પાડી ને, કહ્યું એ પ્લેટ સાથે મને ધક્કો મારે છે, મારે નાસ્તો બચાવવો, પ્લેટ બચાવવી કે મને પડતા બચાવવી… હું તો નહીં જ જાઉં! મા શું તમેય આને અહીં બોલાવી! તમારુંય કેવું અપમાન કરે છે! એય વનિતા, નાની છે! અને વિદેશથી મમ્મી પપ્પાને મુકીને આવી છે ,થોડો ટાઈમ તો લાગે ને! હાં ના કરતી વનિતા નાસ્તો આપવા ગઈ!
મંગળા મા હજી જરાય મા જેવા લાગતાં નથી, તોય મા લગાડી દીધું! જોકે એને કંઈ વાંધો નહોતો. આજે અચાનક એ સફર યાદ આવી ગઈ. બાવીસ વર્ષ પહેલાં આ ઘર કેટલું ખુશીઓથી ભરેલું રહેતું. એકનો એક દિકરો નૈસદ પોતાની સાથે ભણતી નેત્રાને પરણીને આવ્યો! પતિ મહેશે નારાજગી બતાવી, પણ પોતે હોંશે હોંશે સ્વાગત કર્યું! ગર્ભ શ્રીમંતનું ઘર હતું, બાપ દાદા ઘણી જમીન મુકી ગયા હતા! શરુ શરુંમા બધું ઠીકઠાક ચાલ્યું! માંહિનો જન્મ પણ થઈ ગયો, હસી ખુશીમાં દિવસો જતાં હતાં, એક દિવસ મહેશે નૈસદને કડક થઈને કહ્યું કે કમાવું તો પડશે! બહું વિચારીને દિકરા વહું બંનેનાં પાસપોર્ટ વિઝા કરાવ્યાં, અને વિદેશ મોકલી દીધાં! અને માંહિને અહીં રાખી! બંને સેટલ થાય પછી.. માંહિ પણ દાદા દાદી પાસે લાડકોડથી ઉછેરવા લાગી. ત્રણ વર્ષની થઈ ત્યારે ત્યાં લઈ ગયા! પછી જીવન વસમું થયું! મહેશ શ્રીધામ ચાલ્યાં ગયા! પોતાને પણ ઘણાં એક્સિડન્ટ થયાં, પણ દર વખતે જીવતદાન મળ્યું! મારે લાયક હજી શું કર્મ બાકી છે? નક્કી કોઈની જીવાદોરી બનવાનું હશે, એટલે જ ઈશ્વર મને જીવાડે છે! અને જો આ માંહિ..
એક દિવસ નૈસદનો ફોન આવ્યો, અને કહ્યું કે મા માંહિ ડ્રગ્સનાં રવાડે ચડી ગઈ, અને ડ્રગ્સ માફિયા સાથે હતી, ત્યાં પોલીસ આવી,અને એણે માંહિ ડ્રગ્સ રેકેટ ચલાવે છે, એવું કહ્યું. અહીંની સરકાર એની માટે બહુ કડક છે! માંડ માંડ છોડાવી! અને પોતાનાં મોઢામાંથી નીકળી ગયું કે, એને અહીં મોકલી દે! હું સંભાળી લઈશ. ત્યાંની જેલમાં પંદર દિવસ કાઢ્યા હતાં, એટલે માંહિ પણ અહીં આવવા માની ગઈ! પણ વ્યસનની તડપ વધે ત્યારે, તોડફોડ કરે, અને કોઈને પણ ધક્કો મારી દે! આજે એને ડો મંદાર પાસે લઈ જવાની છે! એટલે પોતે જ એનાં રુમમાં ગયાં! ત્યાં જે દ્રશ્ય જોયું એ જોઈને એ હેબતાઈ ગયા! માંહિ બેહોશ પડી હતી, અને લોહી નીકળતું હતું. બાજુમાં નાસ્તાની પ્લેટ એમનેમ પડી હતી, નક્કી વનિતા આવી ત્યારે એ સૂતી હશે! પણ પછી શું થયું? એ સમય બગાડ્યા વગર એમ્બ્યુલન્સમાં માંહિ ને લઈને હોસ્પિટલ આવ્યા!
લગભગ એક કલાક ને અંતે ડો મંદાર એ મંગળા મા ને બોલાવ્યાં, અને કહ્યું કે ડ્રગ્સ ન મળવાને કારણે પેનિક થઈને, પોતાના હાથને બટકા ભર્યા એમાં હાથની મેઈન નસ ડેમેજ થઈ ગઈ, એટલે આટલું બધું લોહી નીકળ્યું! અને તમને એમ કે એણે આત્મહત્યાની કોશિશ કરી છે! પણ હવે એની પર વોચ રાખવો પડશે, એનું ધ્યાન ડ્રગ્સ ઉપરથી હટાવવા બીજું કંઈક કરવું પડશે! આન્ટી આપને વાંધો ન્હોય તો હું આજે એક સંગીત કોન્ટેસ્ટમાં જાઉં છું ત્યાં એને લઈ જાઉં! એને ગમે તે ભોગે માંહિને આ ડ્રગ્સનાં ભરડામાંથી બહાર લાવવી હતી એટલે એણે હાં કહી!
ડો મંદાર પણ એકદમ યંગ હતો, અને પોતે પણ એકવાર એક પરીક્ષામાં ફેઈલ થયો, ગર્લ ફ્રેન્ડ છોડી ગઈ, ત્યારે ડિપ્રેશ થઈ અને.. એનો ફ્રેન્ડ રવિ ન્હોત તો આ માર્ગે જ…. અને એટલે એણે માંહિને આ માર્ગેથી પાછી વાળવા નક્કી કરી લીધું હતું..
મંદાર જાણતો હતો કે આ ઉંમર જ એવી હોય, જ્યારે યુવાન કે યુવતી અમુક પ્રકારની હુંફ મેળવવાં ઝંખતા હોય! અને એ સમયે કુસંગત થઈ જાય તો પછી આવું થાય.. એની માટે એને આ ડોક્ટરમાંથી માંહિનાં ફ્રેન્ડ બનવું પડશે! સંગીત કોન્ટેસ્ટમાં ગયા પછી મંદાર ને માંહિ એ વાત કરી કે પોતે પિયાનો આર્ટિસ્ટ છે, અને એક બેન્ડમાં જોઈન્ટ થઈ, તો એનાં પપ્પા એ આવાં શોખ સારા ઘરની દિકરીને ન્હોય! કરી બેન્ડ છોડાવી દીધું. ઘરે એ પિયાનો વગાડતી પણ મમ્મી પપ્પાને એનાં કામ અને ક્લબ માંથી સમય જ ન્હોતો મળતો! કોઇપણના ગુણની કદર થાય, પ્રોત્સાહન મળે, તો એનાં દુર્ગુણને બઢાવો મળતો બંધ થાય, અને એ રીતે જ મંદારે એને પ્રોત્સાહિત કરી, ક્યારેક એકાંતમાં, તો ક્યારેક ફ્રેન્ડ સર્કલ વચ્ચે, એનાં શોખ અને કાબેલિયત ને દાદ અપાવી! આમ એમ કહો એ હવે ધીરેધીરે નોર્મલ થતી જતી હતી, અને દિવસનાં ત્રણ ચાર વખતની બદલે હવે એ અઠવાડિયે દસ દિવસે ડ્રગ્સ માટે પેનિક થતી! ડો મંદાર મંગળા મા ની ખાસ સહેલી ભૈરવીની દિકરીનો દિકરો હતો! અને બંને એવું ઇચ્છતાં હતાં કે પોતાનાં દિકરા દિકરીનાં લગ્ન તો ન થયાં, પણ આ સંબંધ થાય તો સોનામાં સુગંધ ભળે! પરંતુ મંગળા મા ને થયું કે મંદાર માંહિ વિશે બધું જ જાણે છે તો હવે એ થોડો હા પાડે!
બીજે દિવસે સવારે ભૈરવી સાથે મંદાર આવ્યો અને ભૈરવી એ મંદાર માટે માંહિ ની વાત કરી! અને બરોબર ત્યારે જ માંહિ ડ્રગ્સ માટે પેનિક થઈ! વનિતાને ધક્કો માર્યો, એટલે મંદાર ગયો, અને એણે એને આલિંગન આપતા કહ્યું રિલેક્સ માંહિ! થોડીવારે માંહિ શાંત થઈ, ત્યારે મંદાર એ કહ્યું માંહિ આઈ લવ યુ! યુ મેરી મી! અને માંહિ લજવાઈને દાદી પાછળ સંતાઈ ગઈ! પછી માંહિ એ ક્યારેય ડ્રગ્સને યાદ કર્યું નહીં! કારણ કે એણે ઈચ્છેલા આત્મિય જનની હુંફ એને મળી ગઈ!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

