New Delhiતા, 19
શ્રીલંકા સામે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 165 રને શાનદાર વિજય મેળવ્યા બાદ પણ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. મેચ પહેલાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને હતી અને આ ભવ્ય જીત બાદ પણ તે પાંચમાં ક્રમે જ યથાવત રહી છે. બીજી તરફ, હાર છતાં શ્રીલંકન ટીમ પણ પોતાનાં છઠ્ઠા સ્થાને જ બનેલી છે.
જોકે, આ જીતથી ભારતને WTC પોઈન્ટ ટેબલમાં 12 મહત્ત્વપૂર્ણ અંકો પ્રાપ્ત થયાં છે. મેચ પહેલાં ભારતની જીતની ટકાવારી 48.15 ટકા હતી, જે વધીને હવે 53.33 ટકા થઈ ગઈ છે. લાંબા સમય પછી ભારતીય ટીમનો વિનિંગ પર્સેન્ટેજ 50 ટકાની પાર પહોંચ્યો છે, જ્યારે શ્રીલંકાની જીતની ટકાવારી 41.67 ટકાથી ઘટીને 33.33 ટકા પર આવી ગઈ છે.
હાલ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 77.78 ટકા જીતની ટકાવારી સાથે ટોચનાં સ્થાને મજબૂત રીતે વિરાજમાન છે. બીજા સ્થાને સાઉથ આફ્રિકા (75.00 ટકા), ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડ (72.22 ટકા) અને ચોથા સ્થાને બાંગ્લાદેશ (66.67 ટકા) ની ટીમ છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ સાતમાં, પાકિસ્તાન આઠમાં અને વેસ્ટ ઈન્ડીઝ નવમાં એટલે કે સૌથી નીચલા સ્થાને છે.

