મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ છૂટ્યા
Gandhinagar,તા.૩૦
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓની રજાઓ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર છોડ્યા વિના તરત જ હાજર રહેવા સખત આદેશ આપવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.
મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડો. જયંતી રવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને ભારે વરસાદની સંભાવના ધરાવતા તમામ જિલ્લાઓના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લાના કલેક્ટરોને એલર્ટ મોડ પર રહેવા અને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાહત કમિશનર, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ અને રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર, આશ્રયસ્થાનોની સગવડ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની ટીમની તૈનાતી અંગે બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ મહેસૂલે તમામ જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ સાધીને સ્થિતિ પર સતત નજર રાખવા અને રાહત-બચાવ સાધન-સામગ્રી સાથે સતર્ક રહેવા જણાવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટરએ સમગ્ર વહીવટી તંત્રને ’રેડ એલર્ટ’ મોડ પર રહેવા સૂચના આપી છે. મહી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી જિલ્લાના તમામ હિતધારકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સાથે તાકીદની રિવ્યુ મીટિંગ યોજીને આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ સૂચનાઓ આપી દેવા અને આશ્રય સ્થાનો તૈયાર રાખવા મામલતદાર અને ટીડીઓને આદેશ આપ્યા છે. મહી નદીના કાંઠાના ૨૬ ગામો અને સાબરમતી નદીના કાંઠાના ૧૩ ગામો મળી કુલ ૩૯ ગામો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ગામોમાં લગાવવામાં આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાયરનનું આજે સાંજે ટેસ્ટિંગ કરાયું હતું જેથી કટોકટીના સમયે લોકોને ચેતવી શકાય.
પશુપાલકો અને ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પશુઓને બાંધી રાખવાને બદલે છૂટા રાખવા, જેથી પાણી ભરાવવાની સ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરી શકે. આ ઉપરાંત, વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી હોવાથી, લોકોને નમી ગયેલા મોટા ઝાડ, મોટા હોર્ડિંગ્સ કે જર્જરિત મકાનોથી દૂર રહેવા કલેકટરએ ખાસ અપીલ કરી છે. નદી, તળાવ કે અન્ય જળાશયો પાસે ન જવા માટે પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપનને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ ક્લાસ-૧ લાઈઝન ઓફિસરોને તાલુકા મથકે હાજર રહેવા જણાવાયું છે અને તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આવતીકાલે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા રાખવા આદેશ આપવામાં આવ્યા છે

