(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧
Amreli જિલ્લાના ધારી શહેરમાં આજે શનિવારે વહેલી સવારે એક સિંહ પરિવારે રહેણાંક વિસ્તારની સોસાયટીમાં પ્રવેશ કરી એક પશુનો શિકાર કર્યો હતો. અને વેકરીયાપરા વિસ્તારની સોસાયટીમાં શિકાર કર્યા બાદ સિંહ પરિવાર લાંબા સમય સુધી ત્યાં જ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
આ બનાવમાં ધારી શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન જંગલના રાજા માનવ વસાહત સુધી પહોંચી જતાં લોકોમાં ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે સિંહ પરિવાર ધારીના વેકરીયાપરા નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસ્યો હતો. અહીં સિંહોએ એક પશુનો શિકાર કરી તેની મિજબાની માણી હતી.
આ સિંહ પરિવારે શિકાર પૂર્ણ કર્યા બાદ સિંહ પરિવાર સ્થળ છોડવાના બદલે સોસાયટીમાં જ લાંબા સમય સુધી આરામ કરતો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે, આ સ્થળ ધારી વન વિભાગની મુખ્ય કચેરીથી પણ નજીક આવેલું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આજે સવારે સ્થાનિક રહિશોએ સિંહ પરિવારને નજીકથી નિહાળ્યો અને તેના વીડિયો મોબાઇલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ચોમાસામાં જંગલ વિસ્તારમાં ઊગી નીકળતા ઘાસ, અને અન્ય કુદરતી પરિબળોને કારણે સિંહો ઘણી વખત માનવ વસાહત તરફ આવી ચઢતા હોવાના બનાવો સામે આવતા રહે છે. જો કે, રહેણાંક વિસ્તારમાં સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યા બાદ ત્યાં જ આરામ કરતા સિંહ પરિવારથી સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી છે.
વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ લોકોને સાવચેતી રાખવા અને સિંહોની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ રહેણાંક વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠાવી છે.

