નદી-તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક, ખરીફ પાકને મળશે નવજીવન
ચિતરંજન છાટબાર
Babra તા.૧
Babra શહેર સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા રાત-દિવસ દરમિયાન અંદાજે પાંચ ઇંચ જેટલો સારો અને સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ધીમીધારે અને સતત વરસી રહેલા વરસાદના કારણે તાલુકાની નદીઓ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. વરસાદનું પાણી ધીમે-ધીમે જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાબરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં ઉભેલા ખરીફ પાકને નવજીવન મળ્યું છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન, મગ, ચણા સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વરસાદના પગલે તાલુકાના કરીયાણા ડેમ, રામપરા ડેમ, મેલડી ગામના તળાવ તેમજ મોટા દેવળીયા સહિતના વિવિધ ગામોના તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ઉપરાંત તાલુકાની સ્થાનિક નદીઓમાં પણ પાણી વહેતા થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ સર્જાયો છે.
શુક્રવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સમગ્ર તાલુકામાં સતત ચાલુ રહ્યો હતો. ધીમી ગતિએ વરસતા વરસાદને કારણે પાણીનો મોટો ભાગ સીધો જમીનમાં ઉતરી રહ્યો છે, જેના કારણે કૃષિ ઉપરાંત ભૂગર્ભ જળસંચય માટે પણ આ વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે.
આ વરસાદ દરમિયાન તાલુકામાં કોઈપણ પ્રકારના જાનમાલના મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે ખાખરીયા ગામે આવેલ મચ્છુ માતાજીના મંદિરે મોડી રાત્રે મંદિરના શિખર પર વીજળી પડવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નોંધપાત્ર નુકસાન થયું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં પણ આવો જ સંતુલિત વરસાદ ચાલુ રહેશે તો ચાલુ વર્ષની ખરીફ સિઝનમાં સારા ઉત્પાદનની આશા વધુ મજબૂત બનશે.

