રાજુલામાં ધોધમાર વરસાદથી હવેલી શેરી સહિતના વિસ્તારોમાં પાણી-પાણી,જાળીયામાં ૪ ઇંચથી તળાવ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીની લહેર
રાજુલા ૨, જાફરાબાદ ૧ અને વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૪ઃ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં જોર પકડ્યું છે. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાએ મહેર વરસાવતાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
રાજુલા શહેરમાં આજે વરસાદે અચાનક જોર પકડતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક માર્ગો પર પાણીનો પ્રવાહ નદી માફક વહેતો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજુલાની હવેલી શેરી વિસ્તારમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા રાજુલા પંથકના ખેડૂતો માટે આજનો વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.
રાજુલા તાલુકાના વડ, ભચાદર, ઉંચૈયા, ભેરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. કોસ્ટલ બેલ્ટમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે હવે વરસાદનું આગમન થતાં ખેતીના પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
મળતી માહિતી મુજબ રાજુલામાં આશરે ૨ ઇંચ, જાફરાબાદમાં ૧ ઇંચ અને વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. કોસ્ટલ બેલ્ટના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં યથાવત્? રહ્યા હતા.
અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી નજીકના જાળીયા ગામમાં અંદાજે ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સ્થાનિક તળાવમાં નવા નીરની આવક થઈ હતી. પાણીની આવક વધતાં તળાવ ઓવરફ્લો થતાં ગ્રામ જનોમાં ખુશી છવાઈ હતી.
જાળીયા ઉપરાંત બાબાપુર, વાંકિયા, પાણીયા, મેડી, તરવડા, મોટા ભંડારીયા સહિતના ગામોમાં પણ ૧થી ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોમાં આશા ફરી જીવંત
લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે. વરસાદ ખેંચાવાને કારણે પાકને નુકસાન થવાની ચિંતા વચ્ચે પડેલા વરસાદથી કપાસ સહિતના ખરીફ પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહે છે તેના પર ખેતીની સ્થિતિનો ઘણો આધાર રહેશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત્? રહેતાં અમરેલીવાસીઓની નજર હવે આગામી વરસાદ પર મંડાઈ છે. એક તરફ રાજુલા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણીના પ્રવાહ જોવા મળ્યા છે, તો બીજી તરફ જાળીયા સહિતના ગામોમાં તળાવો છલકાતા ચોમાસાએ ફરી રંગ પકડ્યો હોવાનો માહોલ સર્જાયો છે.

