પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ લૂંટ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે અંજામ આપવામાં આવી હતી
Ahmedabad ,તા.૧
અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી અંદાજે ૭૫ લાખના સોનાની લૂંટના સનસનાટીભર્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ઘટનાનો ભેદ ઉકેલતા તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ લૂંટના કાવતરામાં ખુદ પોલીસ વિભાગના કર્મચારીઓની સંડોવણી હતી. પોલીસે ડાંગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી કૃપારાવ દેવૈયા તેમજ તેના સાગરીત નટવર પરમારની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ લૂંટ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે અંજામ આપવામાં આવી હતી. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે પોલીસકર્મી મુકેશ અને મહિપાલે પણ આરોપીઓને મદદ કરી હતી. એટલું જ નહીં, એક મહિલા પોલીસકર્મીના પતિની પણ આ સમગ્ર કાવતરામાં સંડોવણી સામે આવતા પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ સોનાની હેરફેર અંગેની માહિતી મેળવી આયોજનબદ્ધ રીતે લૂંટને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના તાર પોલીસ કર્મચારીઓ સુધી પહોંચતા તપાસ વધુ ગંભીરતાથી હાથ ધરવામાં આવી હતી. પુરાવાના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ તેજ કરવામાં આવી છે.આ ઘટનાએ પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અને આંતરિક દેખરેખ અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા કર્મચારીઓ જ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવતાં લોકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
પોલીસે જણાવ્યું છે કે કેસમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

