આદિવાસી ખેડૂતો માટે જીવનદોરી સમાન યોજના ખોરવાઈ; બાંધકામની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
Surat ,તા.૧
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી આદિવાસી વિસ્તારો માટે મહત્વપૂર્ણ ગણાતી ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. વરેહ નદી પર નિર્માણ કરાયેલા ગોડધા ચેકડેમની પાણી રોકતી મુખ્ય દીવાલ અચાનક તૂટી પડતાં ડેમમાં સંગ્રહિત કરોડો લીટર પાણી વહી ગયું હતું. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે સિંચાઈ માટે ડેમના પાણી પર નિર્ભર ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.
માહિતી અનુસાર, ભારે વરસાદ વચ્ચે ચેકડેમની મુખ્ય દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ તૂટતાં જ ડેમમાં સંગ્રહિત પાણી ઝડપથી બહાર નીકળી ગયું અને થોડા જ સમયમાં ચેકડેમ લગભગ ખાલી થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેતી માટે જરૂરી પાણીનો મોટો જથ્થો વહી જતાં ખેડૂતોને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના આસપાસના અનેક ગામોના આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. ડેમમાં સંગ્રહિત પાણીના આધારે ખેડૂતો વર્ષભર વિવિધ પાકોની સિંચાઈ કરતા હતા. હવે ડેમ ખાલી થઈ જતાં આગામી સિઝનમાં પાણીની અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેતી ઉત્પાદન અને ખેડૂતોની આવક પર પણ સીધી અસર પડી શકે છે.
ઘટના બાદ ચેકડેમના બાંધકામની ગુણવત્તા અને તેની જાળવણી અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય જાળવણી અને તકનીકી નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો આવી ગંભીર સ્થિતિ ટાળી શકાત. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

