વિનોદભાઇ માછી નિરંકારી
મહીસાગર જીલ્લાના ખડોદી-બોરવાઇ કંપા ગામ ખાતે સંત નિરંકારી મિશન બેંગ્લોર-કર્ણાટકના મહાન સંત પ.પૂ.શ્રી સુનીલ રાત્રાજી પધાર્યા હતા, તેમની અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કર્ણપ્રિય સુંદર આધ્યાત્મિક ભજનથી થઇ હતી.
દાહોદ ઝોનના ઇન્ચાર્જ મહા.ભૂપેન્દ્રજીએ રામાયણની ચોપાઇ દ્વારા સત્સંગની મહત્તા સમજાવતાં કહ્યું કે બડે ભાગ્ય પાઇએ સત્સંગા,બિનુ હરિ કૃપા મિલહિં નહીં સંગા..ખૂબ જ ઊંચા ભાગ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને સત્સંગ મળે છે, ભગવાનની વિશેષ કૃપા વગર સત્સંગ પ્રાપ્ત થતો નથી. સત્સંગથી કુવિચારો દૂર થાય છે અને માણસ સન્માર્ગે વળે છે. સંતોના સાનિધ્યમાં રહેવાથી મન પવિત્ર બને છે અને ચિંતાઓનો નાશ થાય છે, તે વ્યક્તિને ઈશ્વર ભક્તિ તરફ આગળ વધારે છે.
નવીવાડીના શ્રી વિનોદભાઈ માછી નિરંકારીએ કહ્યું હતું કે ગુરૂ બિનુ ભવ નિધિ તરઈ ન કોઈ,જો બિરંચિ શંકર સમ હોઈ.. જ્ઞાન પ્રાપ્તિની પ્રચલિત પ્રક્રિયા વિશે ગીતા કહે છે કે તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લે, એમને સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી-અનુભવી જ્ઞાની-શાસ્ત્રજ્ઞ મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. પ્રણિપાત એટલે વંદન.વંદનમાં નમ્રતાનાં દર્શન થવાં જોઇએ.નમ્રતા વિના ગુરૂનું મન જીતાય નહી. જ્ઞાન પ્રાપ્તિના માટે ગુરૂની પાસે જઇને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા. નમ્રતા-સરળતા અને જીજ્ઞાસાભાવથી તેમની પાસે રહેવું અને એમની સેવા કરવી.
ફક્ત પરમાત્માતત્વને જાણવા જીજ્ઞાસુભાવે સરળતા અને વિનમ્રતાપૂર્વક ગુરૂને પ્રશ્ન કરવો, પોતાની વિદ્વતા બતાવવાને માટે અથવા તેમની પરીક્ષા કરવાને માટે પ્રશ્ન ન કરવો. હું કોન છું? સંસાર શું છે? બંધન શું છે? મોક્ષ શું છે? પરમાત્માતત્વનો અનુભવ કેવી રીતે થઇ શકે છે? મારી સાધનામાં કયાં કયાં વિઘ્નો છે? એ વિઘ્નોને કેવી રીતે દૂર કરવામાં આવે? તત્વ સમજમાં કેમ નથી આવતું? વગેરે પ્રશ્નો ફક્ત પોતાના બોધના માટે કરવા. જીજ્ઞાસામાંથી પ્રશ્ન ઉદભવે છે. જીજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથીયું છે.
પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સમરથ સદગુરૂના ચરણોમાં નતમસ્તક થવાથી આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે સમયે આવા સદગુરૂની કૃપાથી પ્રભુ પરમાત્માના દર્શન થઇ જાય છે ત્યારે સાધકમાં વિશાળતા, પ્રેમ, નમ્રતા, સમદ્રષ્ટિ, ૫રો૫કાર, ભાઇચારાની ભાવના વગેરે ગુણો પ્રગટ થાય છે. આમ પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ મળી જાય તો એક ક્ષણમાં પ્રભુ ૫રમાત્માના દિદાર થઇ જાય છે. જે જીતેન્દ્રિય તથા સાધનપરાયણ છે એવો શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને તે તત્કાળ પરમ શાંતિને પ્રાપ્ત થઇ જાય છે.
પાડરવાડાના મહા.શ્રી કાન્તીભાઈ પંડ્યા સાહેબ નિવૃત શિક્ષકશ્રીએ કહ્યું હતું કે સત્સંગ એક વિચાર ધારા છે. સંતો જ્યાં બેસી ભગવાનના ગુણાનુવાદ કરે છે તે તીર્થધામ છે. મનુષ્ય જીવન સાર્થક કરવા એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. સંત નિરંકારી મિશનનો એક જ મંત્ર છે “સર્વે જનાઃ સુખિનઃ સન્તુ” સર્વે સુખી રહે, સર્વે રોગમુક્ત અને નિરોગી રહે, સર્વેને શુભ અને કલ્યાણકારી પ્રભુનાં દર્શન થાય અને કોઈપણ વ્યક્તિ દુઃખનો ભાગીદાર ન બને. સમગ્ર માનવજાતિના સુખ, સ્વાસ્થ્ય, કલ્યાણ અને દુઃખમુક્તિની ભાવના વ્યક્ત કરે છે અને તેના માટે બ્લડ ડોનેશન જેવાં લોકકલ્યાણનાં કાર્યો કરે છે. માનવને સાચા અર્થમાં માનવ બનાવવાનું કાર્ય કરે છે. અહી નરપૂજા એ જ નારાયણ પૂજા ચરીતાર્થ થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય, બીજો ભક્તિ કરે એનું ફળ આપણને મળતું નથી, પોતાનું કલ્યાણ કરવા પોતે જ સેવા, સુમિરણ, સત્સંગ કરવાં પડે છે. સંતોના સાત્વિક વિચારો શ્રવણ કરી જીવનમાં કર્મરૂપમાં અપનાવવાથી કલ્યાણ થાય છે. ભગવાને માનવ જનમ આપી તમામ પ્રકારનાં તન-મન-ધનનાં સુખ આપ્યાં છે તેનું અભિમાન ના કરશો, એવું ના વિચારશો કે મારે કોઇની જરૂર નથી કેમકે મૃત્યુ પછી પણ પાંચ માણસોની જરૂર પડતી હોય છે. માણસ છો તો માણસ સાથે સબંધ રાખજો પણ બધા ઉપર વિશ્વાસ ના રાખશો, માણસને માણસ ઉપર વિશ્વાસ પેદા કરવાનું કાર્ય સત્સંગ કરે છે.
સંત નિરંકારી મિશન-અમદાવાવાદના ઝોનલ ઇન્ચાર્જ મહા.ધર્મપાલ મોટવાણીજીએ વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજનો માનવ મોહરૂપી રાત્રીમાં સૂતો છે સંતો તેને સતેજ કરે છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ,અબ રૈન કહાં કી સોવત છે? જો સોવત છે વો ખોવત છે, જો જાગત હૈ વો પાવત છે. જીવન અમૂલ્ય છે તેને વ્યર્થ ન ગુમાવવું, સમયનો સદુપયોગ કરવો, સેવા, સુમિરણ, સત્સંગ અને સતકર્મોમાં જીવન વિતાવવું, ગુરૂશરણમાં જઇ પરમાત્માને જાણી આલોક-પરલોક સુખી કરવો-એ મનુષ્ય જીવનનું ધ્યેય છે. ચૌરાશી લાખ યોનિઓમાં ફક્ત માનવને જ ભગવાને વિવેક અને બુદ્ધિ આપી છે.
સંસાર સ્વપ્ન સમાન છે,જીવનમાં આપણે મુસાફર બનીને આવ્યા છીએ. સંસાર પરીવર્તનશીલ છે, અપરીવર્તનશીલ એક પરમાત્મા છે. બાળક જન્મે છે ત્યારે અઢી કિલો અને મૃત્યુ પામે ત્યારે રાખનું વજન પણ અઢી કિલો હોય છે. માણસ જન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને મૃત્યુ સમયે બધું અહીં જ મૂકી જાય છે તેથી પદ-પ્રતિષ્ઠા અને પૈસાનું અભિમાન ન કરતાં સતકર્મો, પ્રેમ, સેવા અને ભક્તિનું ધન જ સાચું છે. જીવનમાં સ્થાયી વસ્તુ સંપત્તિ નથી પરંતુ આપણા સારા કર્મો અને આધ્યાત્મિક મૂલ્યો છે.
કાર્યક્રમના આયોજક ખડોદી બ્રાંચના મુખી મહા.જગદીશજીએ આવેલ તમામ પ્રભુપ્રેમીઓનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો તથા પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ગુરૂ બ્રહ્માની જેમ સદગુણોના સર્જક, વિષ્ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન હોય છે.
રામાયણ કહે છે કે જાને બિનુ ન હોય પ્રતિતી બિન પ્રતિતી ન હોઇ પ્રીતિ, પ્રિતી બિના ન ભગતી દ્રઢાઇ જીમી ખગપતિ જલકે ચીકાનાઇ..જાણ્યા વિના વિશ્વાસ થતો નથી અને વિશ્વાસ વિના સાચો પ્રેમ જન્મતો નથી. આપણે જીવનમાં પણ આ વાતનો અનુભવ કરીએ છીએ કે કોઈ અજાણી વ્યક્તિ પર તરત જ વિશ્વાસ થતો નથી, જેમ જેમ આપણે તેને ઓળખીએ છીએ, તેના સ્વભાવને સમજીએ છીએ તેમ તેમ વિશ્વાસ વધે છે અને વિશ્વાસમાંથી પ્રેમ જન્મે છે. આ જ નિયમ આધ્યાત્મિક જીવનમાં પણ લાગુ પડે છે. જ્યાં સુધી પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી ભક્તિ માત્ર પરંપરા કે માન્યતા બની રહે છે પરંતુ જ્યારે સત્સંગ અને સદગુરૂની કૃપાથી નિરાકાર-પરમાત્માનો બોધ થાય છે ત્યારે અંતરમાં દ્રઢ પ્રતીતિ જન્મે છે કે પરમાત્મા સર્વત્ર છે,દરેક ક્ષણે આપણી સાથે છે.
આ પ્રતીતિ પછી ભક્તિમાં પરિવર્તન આવે છે ત્યાર પછી સેવા-સિમરણ અને સત્સંગ કોઈ ફરજ નથી રહેતાં પરંતુ પ્રેમનું સ્વાભાવિક પ્રગટ સ્વરૂપ બની જાય છે, એવો પ્રેમ કોઈ સ્વાર્થ માટે નહીં પરંતુ પરમાત્માની પ્રસન્નતા માટે હોય છે તેથી આપણા જીવનનું લક્ષ્ય માત્ર સાંભળવાનું નહી પરંતુ પરમાત્માને જાણવાનું, જાણીને પ્રતીતિ પ્રાપ્ત કરવાની અને તે પ્રતીતિને પ્રેમમાં પરિવર્તિત કરવાની છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે સદગુરૂની કૃપાથી આપણું જ્ઞાન દ્રઢ બને, પ્રતીતિ અડગ બને અને આપણા હૃદયમાં પરમાત્મા તથા સમગ્ર માનવજાતિ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ થાય.
વ્યાસપીઠ ઉપરની પોતાની અનુભવજન્ય વાણી પ્રવાહીત કરતાં સંત નિરંકારી મિશન બેંગ્લોર-કર્ણાટકના મહાન સંત પ.પૂ.શ્રી સુનીલ રાત્રાજીએ કહ્યું કે મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી. જીવ પોતાના સારા-નરસા કર્મો, મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય. સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. ૫રમેશ્વરને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી શકે છે એટલે કે મૃત્યુના બંધનથી છુટકારો મેળવી શકે છે તેના સિવાય ૫રમ૫દ પ્રાપ્તિનો બીજો કોઇ માર્ગ નથી.
બૂંદ સાગરમાં સમાઈ જાય તો સાગરરૂપ બની જાય છે તેવી જ રીતે આત્મા જ્યારે પોતાના નિજઘર પરમાત્માને જાણી લે છે ત્યારે તેનો અહંકાર ઓગળી જાય છે અને તે પરમાત્માના સ્વરૂપમાં એકરૂપ બની જાય છે. આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે. જ્યાં ‘હું‘ અને ‘મારૂં‘નો ભેદ સમાપ્ત થાય છે ત્યાં માત્ર પરમાત્માનો અનુભવ જ બાકી રહે છે.
જીવાત્મા અનેક જન્મો પછી મનુષ્ય જન્મ પામે છે. મનુષ્ય જન્મ દુર્લભ છે કારણ કે તેમાં જ ઈશ્વર પ્રાપ્તિ કરી મોક્ષ શક્ય છે તેથી મનુષ્ય જીવનને વ્યર્થ ન ગુમાવતાં સેવા,સુમિરણ,સત્સંગ કરી જીવન સુધારવાનું છે.
જો સુખ કો ચાહે સદા તો શરણ રામકી લે,ધન-દૌલત ઔર માલ-ખજાના સંગ કિસીકે જાયે ના.. જો મનુષ્ય સદા માટે સાચું સુખ ઇચ્છે છે તો તેણે ભગવદશરણનો આશ્રય લેવો જોઈએ. સંસારના સુખ ક્ષણિક છે, જ્યારે ભગવાનના શરણમાં રહેવાથી મનને શાંતિ-સંતોષ અને પરમાનંદ મળે છે.
જે પ્રભુની ભક્તિ કરે છે તેની રક્ષા પ્રભુ કરે છે, તેનાં તમામ કાર્યો કરવાની જવાબદારી ભગવાનની થઇ જાય છે-આ માટે શ્રદ્ધા-વિશ્વાસની આવશ્યકતા છે. રામ કબીરા એક ભયા,કોઈ શકે ન પહેચાન..જ્યારે સંત કબીરને પરમાત્માનો સાક્ષાત્કાર થયો ત્યારે તેમના અને પરમાત્મા વચ્ચેનો ભેદ અનુભવમાં ઓગળી ગયો. આ સ્થિતિને સામાન્ય બુદ્ધિથી ઓળખવી કે સમજવી સહેલી નથી તેથી કહેવામાં આવ્યું છે કે “કોઈ શકે ન પહેચાન’’ એટલે કે આ એકત્વનો અનુભવ શબ્દો કે બહારના દેખાવથી જાણી શકાતો નથી, તે તો આધ્યાત્મિક અનુભૂતિનો વિષય છે.
મીરાંબાઇએ ગાયું છે કે “મેં પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાણે કોઈ” હું પરમાત્માના પ્રેમમાં એવી દીવાની બની ગઈ છું કે મારા વિરહ, તલપ અને પ્રેમની પીડાને કોઈ સમજી શકતું નથી. પ્રેમ એટલે સંસારિક પ્રેમ નહીં પરંતુ પરમાત્મા પ્રત્યેનો નિષ્કામ, અનન્ય અને આધ્યાત્મિક પ્રેમ છે. જે ભક્તના હૃદયમાં આ પ્રેમ જાગે છે તે સતત પરમાત્માના સ્મરણમાં રહે છે, તેની આંતરિક વ્યથા અને આનંદ સામાન્ય લોકો માટે સમજવા મુશ્કેલ હોય છે. જેને ઈશ્વરપ્રેમનો અનુભવ થયો હોય તે જ આ પ્રેમની ઊંડાઈ સમજી શકે છે. દુનિયા બહારનું વર્તન જુએ છે પરંતુ ભક્તના હૃદયમાં ચાલતો વિરહ અને મિલનની તલપ જોઈ શકતી નથી.જેમ ફૂલને મસળવા માટે થોડો સમય લાગે છે પરંતુ જ્ઞાની-તત્વદર્શી ગુરૂ મળે તો પરમાત્માની અનુભૂતિ ક્ષણમાત્રમાં થઈ શકે છે.જનકને આત્મસાક્ષાત્કાર કોઈ લાંબી સાધના પછી નહીં પરંતુ અષ્ટાવક્ર જેવા ગુરૂ મળતાં તેમના ઉપદેશથી થયો હતો કેમકે તેમનામાં તીવ્ર વૈરાગ્ય અને પૂર્ણ ગ્રહણશીલતા હતી.
જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્ત થયાં છે. મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે,મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે. સર્વવ્યાપક, સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્દષ્ટ્રિ પ્રાપ્ત કરીને સર્વત્ર જોવા એ “જ્ઞાન’’ છે અને દર્શન કર્યા ૫છી તેમને યાદ કરવા એ “સુમિરણ’’ છે. હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ શકતું નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

