Shweta Patel (Setu)-Ahmedabad
ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવનું સ્થાન અનન્ય છે. ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ, ભોળાનાથ અને કલ્યાણકારી તરીકે ઓળખવામાં આવે છે. “શિવ” શબ્દનો અર્થ જ કલ્યાણ કરનાર એવો થાય છે. શિવનું સત્વ એટલે તેમના જીવન અને સ્વભાવમાંથી મળતું સત્ય, સાદગી, ત્યાગ, કરુણા, સમતા અને ધૈર્યનું તત્વ. શિવનું વ્યક્તિત્વ આપણને જીવન જીવવાની એક સુંદર દિશા આપે છે.
ભગવાન શિવનું સ્વરૂપ સાદગીનું પ્રતીક છે. તેઓ રાજમહેલમાં નહીં, પરંતુ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. શરીર પર ભસ્મ, જટામાં ગંગા, મસ્તક પર ચંદ્ર અને ગળામાં સર્પ ધારણ કરનાર શિવ આપણને શીખવે છે કે સાચી મહાનતા વૈભવમાં નથી, પરંતુ સાદગી અને સંયમમાં છે. તેઓ ભૌતિક સુખોથી અલિપ્ત રહીને પણ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરે છે.
શિવનું સૌથી મહાન સત્વ તેમનું ત્યાગ અને પરોપકાર છે. સમુદ્રમંથન સમયે નીકળેલા હળાહળ વિષને તેમણે પોતાના કંઠમાં ધારણ કર્યું અને સમગ્ર સૃષ્ટિને વિનાશથી બચાવી. આ કારણે તેઓ “નીલકંઠ” કહેવાયા. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો મહાન માણસ બીજાના દુઃખને પોતે સહન કરીને પણ સમાજનું રક્ષણ કરે છે.
ભગવાન શિવ સમતાના પણ પ્રતીક છે. તેમના આસપાસ દેવો ઉપરાંત નંદી, સર્પ, ભૂત-પ્રેત અને વિવિધ જીવો જોવા મળે છે. તેઓ કોઈને ઊંચું કે નીચું માનતા નથી. શિવ આપણને દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને સમાનતાની ભાવના રાખવાનો સંદેશ આપે છે. આજના સમયમાં જ્યારે સમાજમાં ભેદભાવ અને સ્પર્ધા જોવા મળે છે, ત્યારે શિવનું આ સત્વ ખૂબ જ મહત્વનું બની જાય છે.
શિવનું ત્રીજું નેત્ર જ્ઞાન અને આંતરિક જાગૃતિનું પ્રતીક છે. જ્યારે મનુષ્ય અજ્ઞાન, અહંકાર અને દુર્ગુણો પર વિજય મેળવે છે ત્યારે તેના જીવનમાં સાચું જ્ઞાન પ્રગટે છે. શિવનું તાંડવ સર્જન અને વિનાશ બંનેની શક્તિ દર્શાવે છે. તે આપણને સમજાવે છે કે જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે અને જૂનાને દૂર કરીને નવું સર્જન કરવું જરૂરી છે.
આ રીતે શિવ સત્વ માત્ર ધાર્મિક વિચાર નથી, પરંતુ જીવન જીવવાની એક મૂલ્યવાન કળા છે. સાદગી, સત્ય, ત્યાગ, કરુણા, સમતા અને આત્મજ્ઞાન જેવા ગુણો અપનાવીને આપણે જીવનને વધુ સુંદર બનાવી શકીએ. ભગવાન શિવનું જીવન આપણને શીખવે છે કે શક્તિ સાથે વિનમ્રતા, જ્ઞાન સાથે કરુણા અને સફળતા સાથે પરોપકાર હોવો જોઈએ. તેથી શિવનું સત્વ દરેક મનુષ્ય માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.
શ્વેતા પટેલ સેતુ

