Vadodara,તા.19
વડોદરા નજીક કુંઢેલા ખાતે કાર્યરત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં નિયમિત વાઈસ ચાન્સેલરની જગ્યા છેલ્લા નવ મહિનાથી ખાલી છે.
સેન્ટ્રલ યુનિવર્સિટીનો વહીવટ કેન્દ્ર સરકારની હસ્તક છે.ભારતમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત સહિત ૫૬ સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે.સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિયમિત વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર રમાશંકર દુબે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં નિવૃત્ત થયા હતા.
સૂત્રોનું કહેવું છે કે, એ પછી પ્રોફેસર અતાનુ ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.દરમિયાન નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે સર્ચ કમિટિ પણ બનાવાઈ હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીની સર્ચ કમિટિમાં રાષ્ટ્રપતિ દ્વારા એક સભ્યની, યુજીસી ચેરમેન દ્વારા એક સભ્યની અને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલર દ્વારા એક સભ્યની નિમણૂક કરવામાં આવતી હોય છે.જોકે સર્ચ કમિટિ બન્યા બાદ આગળ શું કાર્યવાહી થઈ તે અંગે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પણ કોઈને જાણકારી નથી.નવ મહિના બાદ પણ પ્રો.ભટ્ટાચાર્ય ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યા છે.ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરના કારણે મહત્વના અને નીતિલક્ષી નિર્ણયો લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્દ્ર સરકાર ઉપેક્ષા કરી રહી હોય તેવો સંદેશ અધ્યાપક આલમમાં જઈ રહ્યો છે.

