Ahmedabad,તા.19
લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બને તેમજ વચેટિયાને કોઈ અવકાશ ન રહે તે માટે ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ ટ્રેક તૈયાર કરાયા છે. પરંતુ એઆઈ ટ્રેક અમલમાં આવ્યાં ત્યારથી વિવાદનું કેન્દ્ર બન્યાં છે. ખાસ કરીને ફોર વ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનો રેશિયો 80 ટકાએ પહોંચતા આરટીઓમાં ટેસ્ટ માટે મહિનાઓનું વેઈટિંગ થઈ ગયું છે. ટેસ્ટમાં ફેલ થવાના વધતાં આંકડાના પગલે વાહનવ્યવહાર વિભાગ દ્વારા એઆઈ ટ્રેકમાં સુધારા કરવા માટે કવાયત હાથ ધરી છે.અમદાવાદમાં સુભાષ બ્રિજ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો ત્યારથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને ફોરવ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનું પ્રમાણ 80 ટકાએ પહોંચતા અરજદારોમાં અજંપો પેદા છે. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીએ દરરોજ ફોરવ્હીલર માટે 120 જેટલા તેમજ ટુવ્હીલર માટે 160 જેટલાં ઉમેદવારો ડ્રાઈવિંગનો ટેસ્ટ આપે છે. અગાઉ 120 ફોરવ્હીલર ચાલકો પૈકી 55-60 લોકો ટ્રેક ટેસ્ટમાં ફેઈલ થતાં હતાં. જ્યારે છેલ્લાં દોઢ મહિનાથી તે આંકડો 96-100એ પહોંચ્યો છે. માત્ર અમદાવાદ નહીં રાજ્યભરની મોટાભાગની આરટીઓમાં ફેલ થવાનો રેશિયોમાં ધરખમ વધારો થતાં લોકોમાંથી ઊહાપોહ પેદા થવા માંડ્યો છે.
દરમિયાનમાં મંત્રી પ્રવિણ માળીએ અમદાવાદ આરટીઓની અચાનક મુલાકાત લઈ સમગ્ર ટેસ્ટ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાંથી ઉઠતી ફરિયાદોના લઈ સરકારી તંત્ર એઆઈ ટ્રેકમાં સુધારા-વધારા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
એઆઈ ટ્રેક વિશે વાત કરીએ તો, અગાઉ કેમેરા મારફતે માત્ર વિડિયો રેકોર્ડિંગ કરાતું હતું. જ્યારે હવે સુભાષ બ્રિજ આરટીઓ ખાતે 16 કેમેરા મારફતે ફોરવ્હીલર અને ટુવ્હીલર ટ્રેક ટેસ્ટ લેવાય છે. ટેસ્ટ પહેલાં અરજદારોને સમગ્ર ટેસ્ટ બાબતે જાણ આપતો વિડિયો બતાવવામાં આવે છે. સાથે જ કચેરીમાં તમામ નિયમો દર્શાવતા બોર્ડ- ચાર્ટ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના લોકો તે વિડિયો જોવાના બદલે ત્યાં બેસીને ફોન પર જ વ્યસ્ત રહેતાં હોવાથી પૂરતી માહિતી મેળવી શકતાં નથી. સાથે જ ટ્રેક પર પણ સિગ્નલના નિયમોનો ભંગ કરે છે. જેના લીધે મોટાભાગના વાહનચાલકો પેરેલલ પાર્કિંગ અને ગ્રેડિયન્ટ (ઢાળ)માં ફેલ થાય છે. ખાસ કરીને પાર્કિંગ સમયે ખાલી સાઈડ ડિવાઈડર સાથે અથડાઈ જતી હોવાથી વધુ લોકો ફેલ થાય છે.

