ભાગીદારીમાં ખરીદ કરેલો ટ્રકનો હિસાબ માંગતા ગાળો ભાંડી માર માર્યો, ગુનો નોંધાયો
Rajkot,તા.19
શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ નજીક વૃદ્ધ ટ્રાન્સપોર્ટરને ભાગીદારે માથામાં લોખંડના પાનાના ઘા ઝીંક્યા હતા. વૃદ્ધે ભાગીદારીમાં ખરીદ કરેલો ટ્રકનોં હિસાબ માંગતા ઉશ્કેરાયેલા ભાગીદારે ગાળો ભાંડી માર મારતા ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામલ કુંજ – ૧૦૩ માં રહેતા વેપારી જિતેન્દ્રભાઇ લક્ષ્મભાઇ અમૃતિયા(ઉ.વ.૬૦) એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માલિયાસણમાં રહેતા જશંવત રાયસિંગભાઇ ખાંટનું નામ આપ્યું છે. બે વર્ષ પહેલાં તેમણે તથા તેમના મિત્ર જશવંત ખાંટે ભાગીદારીમાં એક ‘અશોક લેલેન્ડ’ કંપનીનું ટ્રક (જેનો રજીસ્ટર નંબર જીજે-03-બીવી-0243) ચાલુ લોન પર લીધો હતો. જેની ખરીદી વખતે આશરે ૧૧ લાખની લોન બાકી હતી. ટ્રક ભાગીદાર જસવંતભાઈ તથા અન્ય ડ્રાઇવર ચલાવતા હતા. જેનો હિસાબ અવાર-નવાર માગતાં જશવંતભાઈ ફરિયાદી સાથે યોગ્ય જવાબ ન આપતા. જેથી છએક મહિના પહેલાં ટ્રકના આઠ હપ્તા બાકી હોય ત્યારે વેપારીએ જશવંતભાઈને કહેલ કે ટ્રકની બાકી લોન પૂરી કરી ટ્રક વેચી નાખીએ, ત્યારે જસવંતભાઈએ તેમ કરવાની ના પાડી હતી.ત્યારબાદ ગઇકાલે ફરિયાદી પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ જશવંતભાઈનો ફોન આવ્યો હતો કે તમે અહીં બેડકો ટ્રાન્સપોર્ટ ગોંડલ રોડ રાજકમલ પંપની સામે આવો, આપણે ગાડીનો હિસાબ સમજવાનો છે. જેથી ફરિયાદી તુરંત અહીં જ ત્યાં નીકળ્યા હતા અને પાંચેક વાગ્યે પહોંચ્યા હતા. જ્યાં આ જશવંતભાઈ હાજર ન હોય જેથી ફોન કરી જશવંતભાઈને બોલાવ્યા હતાં.
બાદ તુરંત તેઓ આવ્યા હતા અને હિસાબ બાબતે ગાળાગાળી કરવા લાગ્યા હતા જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જશવંતભાઈએ પોતાની પાસે રહેલ લોખંડનું રીંગપાનું ફરિયાદીને માથાનાભાગે તથા જમણા હાથના કોણીના ભાગે ત્રણ-ચાર ઘા ઝીંકી દીધા હતાં. જેથી તેમને માથાના ભાગે લોહી નીકળવા લાગ્યુ હતુ અને હાથમાં મૂંઢ ઈજા થઇ હતી. બાદમાં જશવંત અહીંથી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં વૃધ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતાં. વૃધ્ધને માથનાભાગે પાંચ-છ ટાંકા આવ્યા છે. બાદમાં તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

