Ahmedabad,તા.૨૧
ભાવનગર જિલ્લાના ખારકડી ગામમાં શંકાસ્પદ ઝેરી દેશી કે વિદેશી દારૂ પીવાના કારણે સર્જાયેલી ગંભીર દુર્ઘટનાને લઈને એડવોકેટ નિતીન ટી. ગાંધી દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ એક ગંભીર અને મહત્વપૂર્ણ રજૂઆત/ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અનેક લોકોના મોત નીપજ્યા છે અને કેટલાક લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઝેરી દારૂમાં અત્યંત જોખમી અને ઝેરી પદાર્થ મિથેનોલ હોવાની આશંકા છે, જે અંધાપો, ગંભીર અંગોને નુકસાન અને મૃત્યુનું કારણ બની શકે છે. આ કેસ માત્ર ગેરકાયદેસર દારૂના સેવન કે કબજા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા પાયે સંગઠિત સપ્લાય ચેઈન, આંતરરાજ્ય કનેક્શન અને મોટાપાયે ઉત્પાદન તથા વેચાણનું સંભવિત રેકેટ સંકળાયેલું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ મામલે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક સ્વતંત્ર ઉચ્ચ-સ્તરીય તપાસ સમિતિની રચના કરવા, ફોરેનિ્સક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું જતન કરવા, તેમજ દોષિત અધિકારીઓ સામે કડક શિસ્તભંગ અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, મૃતકોના પરિવારજનો અને પીડિતોને યોગ્ય વળતર અને પુનર્વસન તેમજ ઘાયલો માટે નિઃશુલ્ક અને પૂરતી તબીબી સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે કડક નિવારક પગલાં લેવા અને ન્યાયિક દેખરેખ હેઠળ આ સમગ્ર તપાસ ચલાવવાની પણ વિશેષ માંગણી કરવામાં આવી છે.

