પ્રસિદ્ધ દામોદર કુંડના કિનારા પર મગર દેખાતા આસપાસ હાજર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા
Junagadh, તા.૨૧
જુનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડ પાસે મગર આવી ચડતા શ્રદ્ધાળુઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. કુંડના કિનારા પર મગર દેખાતા આસપાસ હાજર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે સ્નાન અને ધાર્મિક વિધિ માટે પહોંચતા હોય છે, ત્યારે મગર દેખાતા સુરક્ષાને લઈને ચિંતા વધી છે. મળતી માહિતી મુજબ, વહેલી સવારે દામોદર કુંડના કિનારા નજીક મગર જોવા મળ્યો હતો. મગર કિનારા તરફ આવી ચડતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે મગરના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
શ્રાવણ માસમાં દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા માટે આવે છે. ખાસ કરીને વહેલી સવારે પણ શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી મગરની હાજરીને પગલે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કુંડના સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓને પાણીના કિનારાથી દૂર રહેવા અને મગર દેખાય તો તેની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. તેમજ વહેલી સવારે દામોદર કુંડ ખાતે આવતા શ્રદ્ધાળુઓએ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. મગરની હિલચાલ પર નજર રાખવા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવા પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

