મોબાઇલ ફોન તોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય મજૂર કેશલભાઈ વિનોદભાઈ પંડયા ઉપર ચાર શખ્સોએ લાકડાના ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલાખોરોએ ફરિયાદીનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો અને ફરી કરણને ગાળો આપીશ તો જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ તા. ૨ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં કેશલભાઈ સાધના કોલોનીમાં જલારામ મંદિર પાસેની ગલીના નાકે બેઠા હતા. તે દરમિયાન તેમના મિત્ર કરણભાઈ અનિલભાઈ જોગલે ફોન કરી પોતાના ન ગમતા માણસોને ઘરે ભેગા નહીં કરવા અને ઘરે નહીં લઈ જવા કહી ગાળો આપી હતી. થોડીવાર બાદ એક એક્સેસ મોટરસાઇકલ પર ભુરો, યુવરાજ અને હર્ષ નંદા નામના ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા. યુવરાજે કમરમાંથી છરી કાઢી હતી, જ્યારે ભુરાના હાથમાં લાકડાનો ધોકો હતો.
આ ત્રણેયે કેશલભાઈને ગાળો આપી હુમલો શરૂ કર્યો હતો. ભુરાએ લાકડાના ધોકાથી શરીર પર આડેધડ માર માર્યો હતો, જ્યારે ભુરો તથા હર્ષ નંદાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ભુરાએ લાકડાનો ધોકો યુવરાજને આપતા યુવરાજે ફરિયાદીના પગ, ડાબા હાથ, વાંસાના તથા સાથળના ભાગે ધોકાના ફટકા માર્યા હતા. હુમલા દરમિયાન ફરિયાદીનો સેમસંગ એ-૦૭ મોબાઇલ ફોન તોડી નાખવામાં આવ્યો હતો.
હુમલો કર્યા બાદ યુવરાજે કેશલભાઈને હવે કરણને ગાળો આપીશ નહીં, નહીંતર જાનથી પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત કેશલભાઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમના મિત્ર પુનીત બીપીનભાઈ દાણીધાર ત્યાં આવી તેમને મોટરસાઇકલ પર બેસાડી પવનચક્કી સુધી પહોંચાડ્યા હતા અને ત્યાંથી ૧૦૮ ની મદદથી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેમને શરીરે મૂઢ ઇજાઓ હોવાનું જણાવી દવા આપી રજા આપી હતી. બનાવ અંગે કેશલભાઈએ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

