Ahmedabad, તા.૧૦
મણિનગર વિસ્તારમાં સાયબર ફ્રોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અદાણી ગેસનું બિલ બાકી હોવાનું કહી કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને એક વેપારી પાસે બિલ અપડેટ કરાવવાના નામે ૧,૯૩,૪૨૦ની ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આઈડી અને મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મણિનગરની જલાસ્મૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને મીઠાઈનું કારખાનું ધરાવતા ૪૯ વર્ષીય વેપારી પિનાંકભાઈ પરશોત્તમભાઈ કેલા સાથે આ ઠગાઈ થઈ છે. ગત તારીખ ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પિનાંકભાઈ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, “તમારું અદાણી ગેસનું બિલ બાકી છે, જો આજે જ બિલ નહીં ભરો તો કનેક્શન કાપી નાખવામાં આવશે.”
વેપારીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ માત્ર ૧૩ રૂપિયા ઓનલાઈન ભરીને બિલ અપડેટ કરવા કહ્યું હતું. ત્યારબાદ એક છઁદ્ભ (એપ્લિકેશન) ફાઈલ મોકલીને તેને મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવી પ્રોસેસ કરાવી હતી. એપ્લિકેશન ઈન્સ્ટોલ થતાની સાથે જ આરોપીઓએ વેપારીનો ફોન હૅક કરી લીધો હતો. તેના ૧૦ મિનિટ બાદ વેપારીના બેંક ખાતામાંથી ૧,૦૧,૮૦૦ અને ૯૧,૬૨૦ મળી કુલ ૧,૯૩,૪૨૦ ડેબિટ થઈ ગયાના મેસેજ આવ્યા હતા. વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેમણે તુરંત બેંકમાં જઈ ખાતું બ્લોક કરાવ્યું હતું અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

