રાત્રિ ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું
Karnataka, તા.૧૫
કર્ણાટકના બેલગાવીમાં એક ઘરમાં ફ્રિઝ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવટ ગલ્લીમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં ભારતી ધમોને (૫૦), શારદા ધમોને (૪૫), ગંગા ધમોને (૨૫) અને પ્રિયા ધમોને (૨૪)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગજાનન ધમોને (૬૫) અને રોશન ધમોને (૨૧) ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શારદા, ગજાનનના પત્ની હતા અને ભારતી તેમની બહેન હતા. જ્યારે પ્રિયા અને ગંગા તેમની દીકરીઓ અને રોશન તેમનો દીકરો છે.
પ્રાથમિક તપાસ અનુસાર, ઘરમાં રાખેલા ફ્રિઝમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં સૂતેલા સભ્યો બહાર નીકળી શક્યા નહોતા અને અંદર જ ફસાઈ ગયા હતા. ધમોને પરિવાર ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો અને તેમણે ઘરમાં સ્થાપના માટે ગણેશજીની મૂર્તિ પણ લાવી રાખી હતી. રાત્રિ ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા અને ફ્રિઝ તેમની નજીક જ રાખેલું હતું.
સ્થાનિક રહીશોને રાત્રે આશરે ૨ઃ૧૫ વાગ્યે જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. પાડોશીઓ જ્યારે મદદ માટે દોડી આવ્યા ત્યારે ઘરમાં ભીષણ આગ લાગેલી હતી. લોકોએ મહામહેનતે ગજાનન અને રોશનને બહાર કાઢ્યા, પરંતુ અન્ય ૪ સભ્યો ગંભીર રીતે બળી જતાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગજાનન અને રોશન આશરે ૬૦ ટકા જેટલા દાઝી ગયા છે.
ધડાકો એટલો તીવ્ર હતો કે ઘરનું પતરું તૂટી ગયું હતું અને મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રિઝમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્પષ્ટ છે, પરંતુ બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિની આસપાસ લાઈટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું હોવાથી શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. આ મામલે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગજાનન સુથારીકામ કરતા હતા અને અન્ય સભ્યો આસપાસની દુકાનો કે ઘરોમાં કામ કરતા હતા.

