Gandhinagar,તા.૧૫
ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. ૨૮ વર્ષીય જ્હાનવીબેન અનિલભાઈ ડાભી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, નાઈટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના રૂમમાં જીવન ટૂંકાવી લીધું હતું.
મોડી રાત સુધી જ્હાનવીબેન રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી રૂમ ખોલીને તપાસ કરતાં જ્હાનવીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સેક્ટર-૭ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા. જોકે, તેમના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. જ્હાનવીબેન સોશિયલ મીડિયા પર પણ સક્રિય હતા અને તેમના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર ૨૫ હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અથવા અંગત જીવન સાથે આ ઘટનાનો કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હાલ સેક્ટર-૭ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો તેમજ જ્હાનવીબેનના મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને લગતી અન્ય વિગતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકશે.

