સણોસરાના ખેડૂતને તબેલો બનાવવા ૨૦ લાખનું ધિરાણ આપી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
ખેડૂતે વ્યાજ સહીતની રકમની ચૂકવી દેવા છતાં દસ્તાવેજ રદ્દ કરવા વધુ એક કરોડની માંગણી કરી હથિયાર બતાવી ધમકી આપી
Rajkot તા.૫ઃ
Rajkot સહીત રાજ્યભરના જરૂરિયાતમંદ ખેડૂતોને ધિરાણના નામે ફસાવી કમ્મરતોડ વ્યાજ વસુલી જમીન પડાવી લેતા અલ્પેશ દોંગા વિરુદ્ધ વધુ શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સણોસરાના ખેડૂતને ધિરાણ આપી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી દસ્તાવેજ રદ્દ કરવા ખેડૂતને હથિયાર બતાવી ખૂનની ધમકી આપવા મામલે ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ દોંગા અને તેના બે ઈન્વેસ્ટરો જીતેન્દ્ર મનસુખભાઇ નશીત અને હરેશ અજાણી સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસની તપાસમાં અલ્પેશ દોંગાની મની પ્લસ શરાફી સહકારી મંડળી પણ બનાવટી હોવાનો ખુલાસો થવા પામયો છે.
સમગ્ર મામલા અંગે પ્રાપ્ત વિગત અનુસાર સણોસરા ગામે રહેતા લાલજીભાઈ મેપાભાઇ ફાંગલીયા નામના ખેડૂતને ઢોરનો તબેલો કરવા માટે પૈસાની જરૂર હોય પરંતુ તેમણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ૧૫ લાખની લોન લીધી હોય જે લોન ચાલુ હોવાથી અન્ય લોન મળે તેમ ન હોય તેમણે લોન લેવા માટે અલ્પેશ દોંગાનો સંપર્ક કરતા અલ્પેશ દોંગાએ તેમના મુખ્ય રોકાણકાર જીતેન્દ્ર મનસુખભાઈ નસીતને વાત કરતા તેણે દોઢ ટકા લેખે વ્યાજે પૈસા અલ્પેશ દોંગાને આપ્યા હતા અને આ પૈસામાં અલ્પેશે પોતાનું એક ટકા કમિશન રાખી ખેડૂત લાલજીભાઈ ફાંગલિયાને અઢી ટકા લેખે લોનના બહાને રૂ. ૧,૦૦,૦૦૦ રોકડ અને ચાર લાખના બે ચેક મળી ૯ લાખ વ્યાજે આપી સિક્યુરિટી પેટે ખોરાણા ગામની તેમની જમીનનો દસ્તાવેજ જીતેન્દ્ર નસીતના નામે કરાવી લીધો હતો. જમીન પર લેણું કે બોજો નથી તેવી ખોટી હકીકત લખી સબ રજીસ્ટરમાં રજૂ કરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી.
બાદમાં ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા થતા તા. ૧-૪ ના લોન ભરવા માટે અલ્પેશ દોંગાની ઓફિસે ગયા હતા. તે વખતે મંડળીની પહોંચ આપવાના બદલે કાચી ડાયરીમાં નોંધ કરી સળંગ રકમ ગણી રૂ. ૧૩.૮૨ લાખ વ્યાજ સહિત ચૂકવવાનું જણાવતા લાલજીભાઈએ તે પૈસા આપ્યા હતા. બાદમાં અલ્પેશે દસ્તાવેજ રદ કરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ દસ્તાવેજ રદ કરી આપતો ન હોય અને અલ્પેશ દોંગા તથા જીતેન્દ્ર નસીત અને તેના ધંધાના ભાગીદાર હરેશ કાંટાવાળા રૂપિયા એક કરોડની માંગણી કરી ખેડૂતને હથિયાર બતાવી ધમકી આપતા હોય જેથી ત્રણેય શખસો વિરુદ્ધ મની લેન્ડ આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અલ્પેશ દોંગાના બંને રોકાણકારો જીતેન્દ્ર નસીત અને હરેશ અજાણી (કાંટાવાળા)ની ધરપકડ કરી હતી.

