પોલિસની તપાસમાં આરોપીઓની સંખ્યા બમણી થઇ ગુજસીટોકમાં સંડોવાયેલા શાહનવાજ સહીત પાંચની શોધખોળ
Rajkot તા.૫ઃ
જંગલેશ્વરના ખ્વાજા ચોક નજીક ગત સપ્તાહના અંતમાં પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં ૫૬ વર્ષીય પ્રૌઢ રીક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઈબ્રાહીમભાઈ લોધીની પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે ગુનામાં પ્રાથમિક તબક્કે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ પોલીસે કાવતરાખોર મહિલાની ધરપકડ કરી છે. જયારે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ શખ્સ સહીત વધુ પાંચની શોધખોળ યથાવત રાખી છે.
જંગલેશ્વરમાં આવેલા ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે સ્થિત પાનની દુકાન પાસે બે દિવસ પહેલા રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઈ લોધી ઉ.વ.૫૬)ની પાઈપના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વરના નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્દુલ્લા ધાડા નામની ૪૪ વર્ષની મહિલાની ધરપકડ કરી છે. રોશન ધાડા કાવતરામાં શામેલ હોવાનું પોલિસની તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે.
ભક્તિનગર પોલીસે હત્યાના ગુનામાં દાનીશ, સુફિયાન અને રિયાઝ વિરૂધ્ધ એફઆઈઆર નોંધી હતી. તપાસ દરમિયાન આરોપી રોશનબેન ઉર્ફે ગુડ્ડી સહિત વધુ ત્રણ આરોપીઓની સંડોવણી ખૂલી છે. જેમાંથી હાલ રોશનબેનની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે અફઝલ અને શાહનવાઝ નામના વધુ બે આરોપીની પણ સંડોવણી ખૂલી છે. એફઆઈઆરમાં જે ત્રણ આરોપીના નામ હતા તે ઉપરાંત અફઝલ અને શાહનવાઝ થારમાં આરોપી રોશનબેનના ઘરે ગયા હતા. ત્યાંથી પાઈપ લઇ ત્રણ આરોપીઓ રવાના થયા હતા. તેની પાછળ રોશનબેન અને અફઝલ ઉપરાંત શાહનવાઝ ગયા હતા.જેથી સમગ્ર મામલામાં આરોપીઓની સંખ્યા બમણી એટલે કે કુલ છ આરોપીની સંડોવણી ખૂલી છે. જેમાંથી હાલ રોશનબેનની ધરપકડ કરવામાં આવી છે.

