પાડોશી પરિવારો એકબીજા પર પાઇપ, ઈંટ, વજનિયા વડે તૂટી પડ્યા પાંચ મહિલા સહીત ૧૨ શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો નોંધ્યો
Rajkot તા.૫ઃ
શહેરના બાબરીયા કોલોની નજીક બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. પાડોશી પરિવારો એકબીજા પર પાઇપ, ઈંટ વડે તૂટી પડતા પાંચ લોકો ઘવાયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે પાંચ મહિલા સહીત ૧૨ શખ્સો સામે સામસામે ગુનો નોંધ્યો હતો.
બાબરીયા કોલોની શેરી નં.-૧ પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાન પારસભાઈ રમેશભાઈ ડાભીએ આરોપી તરીકે પાડોશમાં જ રહેતા હરેશ પુંજા સમેશા, પુંજા લાલુ સમેશા, પારસ પુંજા સમેશા, રવિ ચંદુ સમેશા, કિશન પુંજા સમેશા, કેસરબેન પુંજા સમેશા, શોભનાબેન વિજય વાજેલીયાનું નામ આપી જણાવ્યું હતું કે, દરમિયાન મારો મિત્ર ત્યાથી નિકળતા સામે બેઠેલ મારા પાડોસી હરેશ સમેસાએ મારા મિત્રને કહેલ કે, પારસને કહે તને મુકી જાય. દરમિયાન હરેશની પાસે બેઠેલ તેની બહેન શોભનાબેનએ હરેશને કહેલ કે, જે જતા હોય તેને જવા દે, કોઈનું નામ ન લે કહી મારા સામુ જોઈ ગાળો બોલવા લાગેલ હતા. જેથી હું ત્યા બેસેલ હરેશભાઈ, શોભનાબેન તથા તેના પિતા પુંજાભાઈ, માતા કેશરબેન પાસે જઈ ગાળો નહિ આપવા જણાવ્યું હતું.
દરમિયાન હરેશએ મારો કાઠલો પકડી મને ઢીકાપાટુનો માર માર્યો હતો. લોખંડનો પાઈપ મારી તમામ શખ્સો નાસી ગયેલ હતા. જે બાદ યુવાન અને તેની માતા-બહેન લોહીલુહાણ હોય ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે સામાપક્ષે વળતી ફરીયાદ નોંધાવતા શોભનાબેન વિજયભાઈ વાજેલીયા (ઉ.વ.૩૨)એ આરોપી તરીકે પારસ રમેશ ડાભી, અજય રમેશ ડાભી, રેખા રમેશ ડાભી, આરતી રમેશ ડાભી, કાજલ રમેશ ડાભીનું નામ આપી જણાવ્યું હતું કે, પારસને કહે કે તને મૂકી જાય. તે બાબતનો ખાર રાખી પારસ અમારી સાથે ઝગડો કરવા લાગેલ હતો. દરમિયાન પારસે તેની ભંગારની રેકડીમાંથી લોખંડનો વજન કાટો લઇ મારા ભાઈ હરેશના માથામાં મારતા લોહી નીકળવા લાગેલ હતું બાદ પારસ નાસી ગયેલ હતો.
જેથી અમે પારસના ઘરે વાતચીત કરવા જતાં તેના પરિવારજનો અમારી સાથે મારામારી કરવા લાગેલ હતા. રેખા, કાજલ અને આરતીએ મને ઢીકાપાટુનો માર માર્યો હતો. મારી માતા મને બચાવવા આવતા મારી માતા સાથે પણ ઝપાઝપી કરતા તેમને જમણા હાથમા મુંઢ ઈજા થયેલ હતી. અજયએ મારા પિતા પુંજાભાઈને લોખંડનો પાઈપ માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ હતું. જેથી સામાવાળા તમામ નાસી જતાં પિતા અને ભાઈને સારવાર અર્થે ખસેડ્યા હતા. જે મામલે ભક્તિનગર પોલીસે હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

